જનસૂરાજ પાર્ટીએ 51 ઉમેદવારની યાદી કરી જાહેર, પ્રશાંત કિશોર રાધોપુરથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર
પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીએ ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહે

પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીએ ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી. પ્રેસ કોન્ફરન્સ કરીને 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રશાંત કિશોર પોતે હાજર નહોતા. જન સૂરાજ વતી પ્રદેશ પ્રમુખ મનોજ ભારતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ પપ્પુ સિંહે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને 51 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી.
જન સૂરાજે જાહેરાત કરી છે કે પ્રશાંત કિશોર પોતે 11 ઓક્ટોબરે તેજસ્વી યાદવના વિધાનસભા મતવિસ્તાર રાઘોપુરથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આ પગલું સૂચવે છે કે જન સૂરાજ હવે ચૂંટણી મેદાનમાં પોતાનો રાજકીય પ્રચાર શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ પ્રશાંત કિશોરે પોતાના ઉમેદવારી નોંધાવવાના મુદ્દા પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, જો પાર્ટી તેમને કહેશે તો તેઓ ચૂંટણી લડશે. તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક અથવા તેમના વતન રોહતાસ જિલ્લાની કારગહર બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી હતી. એવી પણ અટકળો ચાલી રહી હતી કે, પ્રશાંત કિશોરનું નામ પાર્ટીના ઉમેદવારોની આગામી યાદીમાં સામેલ થઈ શકે છે. જોકે, હવે સૂત્રો સૂચવે છે કે પ્રશાંત કિશોર પોતે વિધાનસભા ચૂંટણી નહીં લડે.
જન સૂરજ દ્વારા ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ
ભૂતપૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયસિંહે એવો પણ દાવો કર્યો હતો કે, પાર્ટીએ બિહારની NDA સરકાર પર ₹70,000 કરોડના ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ લગાવતા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.






