PM મોદીએ પંજાબ- હિમાચલમાં કર્યું હવાઈ નિરીક્ષણ, કરોડો રૂપિયાનું વળતર જાહેર
PM મોદીએ મંગળવારે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સાથે ગુરદાસપુરમાં પૂર પીડિ

PM મોદીએ મંગળવારે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા સાથે ગુરદાસપુરમાં પૂર પીડિતોને પણ મળ્યા હતા.પૂરથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ અને મૂલ્યાંકન કર્યા પછી પંજાબ માટે 1600 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયની જાહેરાત કરી. આ રકમ રાજ્ય પાસે ઉપલબ્ધ 12,000 કરોડ રૂપિયાની સહાય ઉપરાંત છે.પૂરમાં જીવ ગુમાવનારા લોકોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા થયેલી આ મદદનો ઉપયોગ પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ કરીને લોકોને ઉભા કરવા માટે કરાશે. સમગ્ર વિસ્તાર ફરીથી ઠીકઠાક કરવા સાથે રસ્તાઓ, શાળાઓનું સમારકામ,ઘરોનું પુનઃનિર્માણ વગેરે કરાશે. ખેડૂતોને મદદ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે ખેડૂતો પાસે વીજ કનેક્શન નથી તેમને ખાસ સહાય આપવામાં આવશે. પૂરમાં નુકસાન પામેલા બોરવેલ અથવા નાશ પામેલા કુવાઓનું સમારકામ કરવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મદદ આપશે. ડીઝલથી ચાલતા પંપોને સૌર પેનલ લગાવવા માટે MNRE દ્વારા સહાય કરવામાં આવશે.
https://twitter.com/ANI/status/1965388520413168122
ખાસ પ્રોજેક્ટ ચલાવાશે
ગ્રામીણ વિસ્તારોમાં પૂરથી નુકસાન પામેલા ઘરોનું સમારકામ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ એક ખાસ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. પંજાબ સરકારે તેની મંજૂરી માટે દરખાસ્ત મોકલવાની રહેશે. સરકારી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ નાણાકીય સહાય પણ આપવામાં આવશે. રાજ્ય સરકારને જરૂરી બધી માહિતી આપવાની રહેશે. કેન્દ્ર સરકારે પંજાબમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રી કેન્દ્રીય ટીમો મોકલી છે. તેમના અહેવાલના આધારે વધુ મદદ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ SDRFનો બીજો હપ્તો અને PM કિસાન સન્માન નિધિની એડવાન્સ ચુકવણીનો પણ આદેશ આપ્યો છે. આ ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપશે.
હિમાચલનો હવાઈ સરવે કરાયો
હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સરવે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે રૂ. 1500 કરોડની નાણાકીય સહાય જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. 2-2 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે.
પીડિતોની મુલાકાત લીધી
મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ તેમને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. વડાપ્રધાને એનડીઆરએફ, એસડીઆરએફ અને આપત્તિ નિવારણ સ્વયંસેવકોની પણ મુલાકાત કરી તેમની રાહત-બચાવ કામગીરીને બિરદાવી હતી. ગગ્ગલ ઍરપોર્ટ પર પીએમએ મંડીના સરાજની 11 માસની નીતિકાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. નીતિકાના બા, માતા અને પિતા પૂરમાં તણાઈ ગયા હતા.
X એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ પોતાના X એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે અમુક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. તેમની પીડા, અને નુકસાન મનને હચમચાવી નાખે તેવી છે. ખરાબ હવામાનના સંકટનો સામનો કરી રહેલા દરેક વ્યક્તિ સુધી રાહત અને સહાયતા પહોંચાડવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
પીએમ મોદીએ કાંગડાના પુર પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ કાંગડાના ગગ્ગલ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લ, અને વિપક્ષ નેતા જયરામ ઠાકુર સહિત અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
પૂરની આફતમાં 366 લોકોના મોત
હિમાચલ પ્રદેશ આપત્તિ નિવારણ તરફથી 9 સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 20 જૂનથી ચોમાસુ શરુ થયું હતું. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખ્લનના કારણે 366 લોકોના મોત થયા હતા. 41 લોકો ગુમ થયા અને 426 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આફતના કારણે 6301 મકાન ધરાશાયી થયા હતા. 1991 ઢોર-ઢાંખર અને 26955 પોલ્ટ્રી બર્ડ્સ તણાયા છે. અત્યારસુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં રૂ. 4080 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે, છેલ્લા ત્રણ વર્ષમાં હિમાચલ પ્રદેશે ચોમાસાની સીઝનમાં 17 હજાર કરોડનું નુકસાન ભોગવ્યું છે.








