દેશમાં કંઇક નવાજૂનીના એંધાણ! PM મોદી પછી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. આ બન્ને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા. આ બન્ને નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત ક્યા કારણોસર થઇ તે સ્પષ્ટ થઇ શક્યું નથી. પહેલા PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા હતા તે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા.આ બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં થઇ હતી.
PM મોદી અને અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે આ મુલાકાત એવા સમયે થઇ છે જ્યારે વિપક્ષના હંગામાને કારણે સંસદ ઠપ્પ છે. બિહારમા ચૂંટણી પંચની સ્પેશિયલ ઇંટેસિવ રિવીઝન (SIR) પ્રક્રિયા પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. આ મુદ્દા પર સંસદમાં ચર્ચાની માંગ ઉભી થઇ છે જેના માટે સરકાર તૈયાર નથી.
રાષ્ટ્રપતિ ભવને મુલાકાતની જાણકારી આપી
રાષ્ટ્રપતિ ભવનના ઓફિશિયલ X હેન્ડલ પરથી PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. તે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તસવીર પણ શેર કરી હતી.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વચ્ચે મહત્ત્વની મુલાકાત
ભારતમાં આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ઔપચારિક શરૂઆત થઇ ગઇ છે. ચૂંટણી પંચે 1 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ અનુસાર, ઉપરાષ્ટ્રપતિના પદ માટે મતદાન આગામી 9 સપ્ટેમ્બરે કરાવવામાં આવશે.
ચૂંટણી પંચ તરફથી જાહેર કાર્યક્રમ અનુસાર, 7 ઓગસ્ટે ચૂંટણી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. તે બાદ ઇચ્છુક ઉમેદવાર 21 ઓગસ્ટ સુધી નોમિનેશન દાખલ કરી શકશે. નોમિનેશન પત્રોની તપાસ 22 ઓગસ્ટે કરવામાં આવશે.







