મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પત્ની તમારી સેવક નથી, રસોઈ ન બનાવવી કે સફાઈ ન કરવી ‘ક્રૂરતા’ નથી:  બોમ્બે હાઈકોર્ટની પતિને ફટકાર

મુંબઈ, 21 મે 2026: Bombay High Court એ તલાકના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ટિપ્પ

પત્ની તમારી સેવક નથી, રસોઈ ન બનાવવી કે સફાઈ ન કરવી ‘ક્રૂરતા’ નથી:  બોમ્બે હાઈકોર્ટની પતિને ફટકાર
આ સમાચાર સાંભળો

મુંબઈ, 21 મે 2026: Bombay High Court એ તલાકના એક મહત્વપૂર્ણ કેસમાં નોંધપાત્ર ટિપ્પણીઓ કરતા કહ્યું છે કે પત્નીને માત્ર ઘરકામ માટેની વ્યક્તિ (Servant) તરીકે જોવું ખોટી માનસિકતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પત્ની રસોઈ ન બનાવે અથવા ઘર સફાઈ ન કરે તો તેને “માનસિક ક્રૂરતા” (Mental Cruelty) ગણાવી તલાકનો આધાર બનાવી શકાય નહીં.

હાઈકોર્ટે 16 વર્ષ જૂના ફેમિલી કોર્ટના ચુકાદાને રદ કર્યો, જેમાં પતિને તલાકની મંજૂરી સાથે પત્નીને ગુજારો ભથ્થું (Maintenance) ન આપવાની છૂટ આપવામાં આવી હતી. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની બેન્ચે કહ્યું કે લગ્ન સમાન ભાગીદારી (Equal Partnership) છે, કોઈ સર્વિસ કોન્ટ્રાક્ટ (Service Contract) નથી.

શું હતો આખો મામલો?

રિપોર્ટ અનુસાર દંપતિના લગ્ન વર્ષ 2002માં થયા હતા. લગ્નના માત્ર બે વર્ષ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિએ તલાક માટે અરજી દાખલ કરી હતી. પતિએ આરોપ લગાવ્યો હતો કે પત્ની ઘરકામ કરતી નથી, માતા-પિતાની વાત માનતી નથી, રસોઈ બનાવતા આવડતું નથી અને તેના કારણે તેને માનસિક તણાવ (Mental Stress) થાય છે.

બીજી તરફ પત્નીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પત્નીનો દાવો હતો કે સાસરીયા તરફથી તેની સાથે નોકરાણી જેવુ વર્તન કરવામાં આવતું હતું. તેની પાસે જબરદસ્તી કપડા અને વાસણ ધોવડાવવામાં આવતા હતા તેમજ બચેલું અને વાસી ખોરાક ખાવા માટે મજબૂર કરવામાં આવતી હતી. આ પરિસ્થિતિથી કંટાળી તેણે સાસરું છોડ્યું હતું.

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે ઘરેલુ જવાબદારીઓ (Domestic Responsibilities) નિભાવવામાં થતી સામાન્ય અસહમતિને “ક્રૂરતા” ગણાવી શકાય નહીં. કોર્ટે કહ્યું: “પત્ની રસોઈ બનાવતી નથી અથવા સફાઈ કરતી નથી એટલે તેને આપમેળે ક્રૂરતા માનવી યોગ્ય નથી. પત્ની કોઈ નોકરાણી નથી. લગ્ન બે લોકો વચ્ચેનો પવિત્ર અને સમાન સંબંધ છે.”

કોર્ટે વધુમાં કહ્યું કે લગ્નના પ્રારંભિક સમયમાં થતી સામાન્ય બોલાચાલી અથવા મતભેદોને વધારીને તલાકનું કારણ બનાવી શકાય નહીં. હિંદુ મેરેજ એક્ટ (Hindu Marriage Act) ની કલમ 13(1)(ia) હેઠળ “ક્રૂરતા” ત્યારે ગણાય જ્યારે સાથે રહેવું સંપૂર્ણપણે અશક્ય બની જાય.

પત્નીને મળશે ગુજારા ભથ્થું

હાઈકોર્ટે પતિને પત્નીને દર મહિને 10 હજાર રૂપિયા ગુજારા ભથ્થું (Monthly Maintenance) અને રહેવા માટે અલગથી 10 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

અગાઉ ફેમિલી કોર્ટે દલીલ કરી હતી કે પત્નીએ “આર્ટ એન્ડ ક્રાફ્ટ” (Art & Craft) ક્લાસ માટે જાહેરાત આપી હતી, એટલે તે કમાણી કરી શકે છે. પરંતુ હાઈકોર્ટે આ દલીલ ફગાવી દીધી અને કહ્યું કે માત્ર એક જાહેરાતના આધારે મહિલાની નિયમિત આવક હોવાનું સાબિત થઈ શકતું નથી.

આ સમાચાર શેર કરો