નીતિશ કુમાર 20 નવેમ્બર 20 મંત્રીઓ સાથે લેશે શપથ, ફ્લોર ટેસ્ટ બાદ થશે કેબિનેટ વિસ્તરણ
બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં આઠમી વખત NDA સરકાર બનાવવાની પ્રક્રિયા બુધવારે ધારાસભ્ય

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં આઠમી વખત NDA સરકાર બનાવવાની પ્રક્રિયા બુધવારે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કર્યા બાદ ઝડપી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ નીતિશ કુમારની સાથે NDAના પાંચ દળોના અંદાજિત 20 મંત્રીઓ સાથે 20 નવેમ્બરે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 202 ધારાસભ્યોની જીત સાથે NDA પાસે બે તૃતીયાંશથી વધુ બહુમતી છે, પરંતુ બાકીના મંત્રીઓને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી કેબિનેટ વિસ્તરણ સમયે તક આપવામાં આવશે. JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહે દિલ્હીમાં ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિગ કરી નીતિશ સાથે શપથ લેનારા મંત્રીઓની સંખ્યા અને યાદી અંગે ચર્ચા કરી હતી.
બિહારમાં નવી સરકારની રચનામાં નાયબ મુખ્યમંત્રીઓની સંખ્યા અને નેતા અંગે પણ અમિત શાહ સાથે ચર્ચા થશ. શપથ ગ્રહણ સમારોહના એક દિવસ અગાઉ જ અમિત શાહ બુધવારે સાંજે પટના પહોંચી જશે. એવું માનવામાં આવે છે કે અમિત શાહ સરકારમાં જોડાવા માટે ભાજપના મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપશે. ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન મંગળવારે પટના પહોંચી રહ્યા છે. બાકીના NDA પક્ષો પણ તેમના સંબંધિત મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી આવવાની અટકળો વચ્ચે એવું માનવામાં આવતું હતું કે 35 મંત્રીઓ એકસાથે શપથ લેશે. નીતિશ ઉપરાંત 35 મંત્રીઓમાં ભાજપના 15થી 16, JDUના 14થી 15, ચિરાગ પાસવાનના LJP-R ના 2થી 3 અને જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના 1-1 મંત્રીનો સમાવેશ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રો કહે છે કે, સરકાર રચનાની પરંપરાગત પદ્ધતિઓ મુજબ, પહેલા ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ખાલી જગ્યાઓ ભરવા માટે કેબિનેટ વિસ્તરણ કરવામાં આવશે. 20 મંત્રીઓની યાદીમાં ભાજપ અને JDU ના 14 થી 16 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે પાસવાન, માંઝી અને કુશવાહાના 4-4 મંત્રી હોઈ શકે છે.
બુધવારનો દિવસ પટનામાં રાજકીય ઘટનાક્રમથી ભરેલો રહેશે. પ્રથમ JDU અને BJP ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો થશે, જ્યાં બંને તેમના ધારાસભ્ય પક્ષના નેતાઓની પસંદગી કરશે. LJP-R અને HAM એ પહેલાથી જ રાજુ તિવારી અને પ્રફુલ માંઝીની પસંદગી કરી છે. ધારાસભ્યો દ્વારા ઉપેન્દ્ર કુશવાહાને RLSP ના નેતા પસંદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. ભાજપ અને JDUની બેઠક બાદ NDA ધારાસભ્ય પક્ષ ગઠબંધનના નેતાની પસંદગી કરશે, ત્યારબાદ નીતિશ કુમાર સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજભવન જશે.








