ભારત સાથેના સબંધોમાં આવશે ખટાશ ! નેપાળ વિવાદિત વિસ્તારોના નકશા સાથે 100 રૂપિયાની નવી નોટ છાપશે
પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે

પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે 100 રૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી છે. આ નકશો એ ત્રણ વિવાદિત વિસ્તારો બતાવશે કે જેના પર ભારત દાવો કરે છે. નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.
એજન્સી અનુસાર, સરકારના પ્રવક્તા રેખા શર્માએ કેબિનેટના નિર્ણયની જાણકારી મેળવ્યા બાદ કહ્યું કે, "વડાપ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ'ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને રૂ. 100 ની નોટના નકશામાં સામેલ કરવામાં આવશે.
માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી રેખા શર્માએ કહ્યું, "25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે 100 રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી."
આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 વોટ પડ્યા હતા.
નેપાળની સંસદમાં આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 મત (275માંથી) પડ્યા હતા. કોઈપણ સભ્યએ આ બિલની વિરૂદ્ધમાં મતદાન કર્યું નથી. બિલ પસાર કરવા માટે 275 સભ્યોના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. નેપાળી કોંગ્રેસ (NC), રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ (RJP-N) અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ નવા વિવાદાસ્પદ નકશાને સમર્થન આપ્યું હતું.
ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો
વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હતો. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના બંધારણમાં સુધારો કરીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વિસ્તારોને સમાવવા માટે દેશના રાજકીય નકશાને અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી. ભારતે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી અને તેને "એકપક્ષીય કૃત્ય" ગણાવ્યું.
ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર જાળવી રાખે છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો - સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે.








