બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન NDA ઉમેદવાર પર હુમલો, જીતનરામના વેવાણ ઈજાગ્રસ્ત
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે. આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે. આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ દરમિયાન ગયાના બારચટ્ટી મતવિસ્તારમાંથી જીતન રામ માંઝીના HAM (સેક્યુલર) ઉમેદવાર જ્યોતિ દેવી પર હુમલો કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સુલેબટ્ટા વિસ્તારમાં લોકોના એક જૂથ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેમની સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. જ્યોતિ દેવી કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના વેવાણ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
અહેવાલ છે કે જ્યોતિ દેવી ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા હતા એ દરમિયાન ભીડમાંથી કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો, જેમાંથી એક પથ્થર તેમને વાગ્યો હતો. જ્યોતિ દેવી હાલમાં ખતરાથી બહાર છે. બારચટ્ટી મતવિસ્તાર માટે મતદાન બીજા તબક્કામાં છે.
જણાવી દઈએ કે, NDAની બેઠક વહેંચણીમાં જીતન રામ માંઝીના HAM એ છ બેઠકો ફાળવી છે. જેમાં તેમણે પરિવારના સભ્યોને ત્રણ ટિકિટ આપી હતી. તેમણે તેમની પુત્રવધૂ દીપા કુમારીને ઇમામગંજથી અને તેમના વેવાણ જ્યોતિ દેવીને બારચટ્ટીથી ઉમેદવારી નોંધાવી હતી. જીતન રામ માંઝીના જમાઈ પ્રફુલ્લ કુમાર માંઝીને જમુઈ જિલ્લાના સિકંદરાથી પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે.
ભૂમિહાર સમુદાયના અનિલ કુમારના પરિવારને બે ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ અનિલ કુમારને ગયાની ટિકરી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે તેમના ભત્રીજા રોમિત કુમારને તે જ જિલ્લાની અટારી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.






