આ પ્રોફેસરની યાદમાં ઉજવવામાં આવે છે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, તેમની નીતિઓથી પ્રભાવિત હતા નેહરુ
National Statistics Day: દર વર્ષે 29 જૂનના દિવસને નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય

National Statistics Day: દર વર્ષે 29 જૂનના દિવસને નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે એટલે કે રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના આંકડાશાસ્ત્રી પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પરિષદોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આંકડાનું મહત્ત્વ સમજાવવામાં આવે છે.
પ્રો. પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ કોણ હતા?
પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસને ભારતીય આંકડાશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહાલનોબિસનો જન્મ 29 જૂન 1893માં કોલકાતામાં થયો હતો. તેઓ એક પ્રસિદ્ધ ભારતીય ગણિતજ્ઞ અને આંકડાશાસ્ત્રી હતા.
કલકત્તા યુનિવર્સિટીની પ્રેસિડેન્સી કોલેજમાં તેઓ પ્રોફેસર જગદીશ ચંદ્ર બાસુ અને પ્રફુલ્લ ચંદ્ર રે જેવા શિક્ષકો પાસે ભણ્યા હતા. ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી, તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ગયા અને કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ શરૂ કર્યો. ત્યાં મહાલનોબિસ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને મળ્યા હતા.
પ્રોફેસરે ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેમણે મહાલનોબિસ ડિસ્ટન્સ, સેમ્પલ સર્વે, ઇકોનોમિક પ્લાનિંગ માટે આંકડાકીય પદ્ધતિઓ જેવા આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યા હતા.
ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટીટયુટની સ્થાપના
એક અહેવાલ મુજબ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પી.સી. મહાલનોબિસ કેમ્બ્રિજથી કોલકાતા પાછા ફરતા હતા, ત્યારે તેમના હાથે આંકડાકીય જર્નલ 'બાયોમેટ્રિકા' લાગી અને તેમને તેમાં રૂચી જાગી. આ બાયોમેટ્રિકાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે તેનો આખો સેટ જ તેઓ ભારત લાવ્યા હતા. ત્યારબાદ મહાલનોબિસને આંકડાશાસ્ત્રમાં વધુ રસ પાડવા લાગ્યો, જેના પગલે તેમણે એક અનૌપચારિક આંકડાકીય પ્રયોગશાળા પણ બનાવી. તેમણે એપ્રિલ 1932માં ભારતીય આંકડાકીય સંસ્થાની સ્થાપના માટે ઔપચારિક નોંધણી પણ કરાવી હતી.
પંડિત નેહરુ પણ મહાલનોબિસની નીતિઓથી પ્રભાવિત હતા
જ્યારે દેશને અંગ્રેજોથી આઝાદી મળી ત્યારે પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પી.સી. મહાલનોબિસને કેન્દ્રીય મંત્રીમંડળના આંકડાકીય સલાહકાર બનાવ્યા અને સ્વતંત્ર ભારતના પ્રથમ આયોજન પંચના સભ્ય પણ બનાવ્યા હતા. તે સમયે પંડિત નેહરુ સામે દેશની અર્થવ્યવસ્થાને ઉભી કરવાની સૌથી મોટી સમસ્યા હતી. આ દરમિયાન સોવિયેત સંઘમાંથી પ્રેરણા લઈને પંચવર્ષીય યોજના શરૂ કરવાનું નક્કી કર્યું. આ માટે તત્કાલીન અર્થતંત્ર વિશે સચોટ અને વિગતવાર માહિતી ઉપલબ્ધ હોય તે જરૂરી હતું.
આથી 1950માં નેશનલ સેમ્પલ સર્વેની સ્થાપના કરવામાં આવી. જેથી નાગરિકોના આર્થિક જીવનના દરેક પાસાઓનો ડેટા મેળવી શકાય. પરંતુ તે સમયે દેશભરમાં ઘરે-ઘરે જઈને ડેટા ભેગો કરવો શક્ય ન હતો. આથી સેમ્પલીંગ કરીને ડેટા ભેગો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેની જવાબદારી પી.સી. મહાલનોબિસને સોંપવામાં આવી હતી.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેનું મહત્ત્વ
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આંકડાઓના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોના જીવનના દરેક પાસામાં આંકડા મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પછી તે શિક્ષણ, આરોગ્ય, અર્થતંત્ર કે સામાજિક વિકાસ હોય. તે ડેટા એકત્રિત કરવામાં, વિશ્લેષણ કરવામાં અને સમજાવવામાં મદદ કરે છે, જે વધુ સારા નિર્ણયો અને નીતિઓ લેવા માટે જરૂરી છે. આ ઉદ્દેશ્યથી જ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 2024ના નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની થીમ શું છે?
2024માં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની થીમ 'નિર્ણય લેવા માટે ડેટાનો ઉપયોગ' છે. થીમ ડેટાના વધતા મહત્ત્વ વિશે છે અને તેનો ઉપયોગ વધુ સારા નિર્ણયો લેવા માટે કેવી રીતે થઈ શકે છે.








