ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન માઝી બનશે, બે ડેપ્યુટી CMના નામની પણ કરાઈ જાહેરાત
Mohan Charan Majhi New CM of Odisha: ભારતીય જનતા પાર્ટીએ આખરે ઓડિશામાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત ક

Mohan Charan Majhi New CM of Odisha: ભારતીય જનતા પાર્ટીએ આખરે ઓડિશામાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. આ સિવાય બે નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. પ્રવતી પ્રવિદા અને કેવી સિંહ દેવ ડેપ્યુટી સીએમ બનશે.
ધારાસભ્ય દળની બેઠક બાદ મોહન માઝીના નામને મંજૂરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ભાજપ હાઈકમાન્ડ વતી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે યોજાયેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠક બાદ મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે.
બે ડેપ્યુટી સીએમની પણ જાહેરાત
ઓડિશામાં ભાજપે મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રવતી પ્રવિદા અને કેવી સિંહ ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે.
12 જૂને શપથ ગ્રહણ સમારોહ યોજાશે
આવતીકાલે એટલે કે 12 જૂને શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહેશે.
કોણ છે નવા મુખ્યમંત્રી?
મોહન ચરણ માઝી ઓડિશાની કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા. મોહન ચરણ માંઝીને 87,815 વોટ મળ્યા જ્યારે મીના માંઝીને 76,238 વોટ મળ્યા અને મોહન માંઝી 11,577 વોટથી જીત્યા. મોહન ચરણ માંઝી ચાર વખત ધારાસભ્ય છે.
વિધાનસભાની ચૂંટણીનું પરિણામ શું આવ્યું?
તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. 4 જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ 51, કોંગ્રેસને 14, સીપીઆઈએમને 1 અને અન્યને 3 બેઠકો મળી છે.








