ગરીબોના ક્વોટાના ફ્લેટ મંત્રીજીને ભારે પડ્યા, 30 વર્ષે કૃષિમંત્રીને બે વર્ષની જેલની સજા
મહારાષ્ટ્રના કૃષિમંત્રી અને અજિત પવારના એનસીપીના ધારાસભ્ય માણિકરાવ કોકાટેનું મંત્

મહારાષ્ટ્રના કૃષિમંત્રી અને અજિત પવારના એનસીપીના ધારાસભ્ય માણિકરાવ કોકાટેનું મંત્રી પદ અને ધારાસભ્ય પદ બંને જોખમમાં છે. નાસિક જિલ્લા કોર્ટે 30 વર્ષ જૂના કેસમાં તેમને બે વર્ષની જેલ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. સજા બાદ મંત્રી કોકાટેએ કહ્યું કે તેમને આ કેસમાં જામીન મળી ગયા છે અને તેઓ આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.
જાણો શું છે મામલો
વર્ષ 1995માં માણિકરાવ કોકાટે પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. હકીકતમાં, કોકાટે ભાઈઓએ મુખ્યમંત્રી પાસેથી 10% વિવેકાધીન ક્વોટા હેઠળ નાસિકના યેઓલકર માલા ખાતે કોલેજ રોડ પર બે ફ્લેટ મેળવ્યા હતા. આ માટે તેમણે એવો દાવો કર્યો હતો કે અમે ઓછી આવક ધરાવીએ છીએ અને અમારી પાસે ઘર નથી. તે સમયે તત્કાલીન અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નાસિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પૂર્વ મંત્રી ટી.એસ.દિઘોલેએ પણ આ મામલે અરજી કરી હતી.
આ કેસ 1997માં શરૂ થયો હતો. ગુરુવારે તેનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ ચાર આરોપી હતા. માણિકરાવ કોકાટે અને તેનો ભાઈ ઉપરાંત અન્ય બે લોકો પણ આમાં સામેલ હતા. કોર્ટે અન્ય બેને કોઈ સજા આપી ન હતી, જ્યારે માણિકરાવ કોકાટે અને તેના ભાઈ સુનીલ કોકાટેને બે વર્ષની જેલ અને રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ચુકાદા સામે અપીલ કરશે
ગુરુવારે નાસિક જિલ્લા અને સેશન્સ કોર્ટના નિર્ણય પછી, કૃષિમંત્રી કોકાટેએ કહ્યું છે કે, 'આ મામલે હું ઉચ્ચ અદાલતમાં જઈશ.'જાણકારોનું કહેવું છે કે કોકાટે સેશન્સ કોર્ટની સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે અને જો તેમની સજા મોકૂફ રાખવામાં આવે તો કોઈ સમસ્યા નથી, પરંતુ જો સજા પર સ્ટે નહીં મુકાય તો તેઓ ધારાસભ્ય પદ ગુમાવી શકે છે.
નોંધનીય છે કે જો કોઈ પ્રતિનિધિને બે કે તેથી વધુ વર્ષ માટે જેલની સજા થાય છે તો તેનું ગૃહનું સભ્યપદ રદ્દ થઈ જાય છે, તેથી હવે માણિકરાવ કોકાટેને મંત્રી અને ધારાસભ્ય પદ ગુમાવવું પડી શકે છે.








