Video: મહારાષ્ટ્ર સરકારના નવા વટહુકમ સામે કોલ્હાપુરમાં ખેડૂતોનો જબરદસ્ત આક્રોશ!

ગોકુલ ડેરી પર કબજાની લડાઈ
મહારાષ્ટ્ર સરકારના નવા વટહુકમ સામે કોલ્હાપુરમાં ખેડૂતોનો જબરદસ્ત આક્રોશ!
પશુઓ સાથે રસ્તા પર ઉતર્યા ખેડૂતો
મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે કોલ્હાપુરની સુપ્રસિદ્ધ ગોકુલ દૂધ સહકારી સંઘની ચૂંટણી અને ત્યારબાદ સર્જાયેલા વિવાદે ભારે ચર્ચા જગાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાઓની મેનેજિંગ કમિટીમાં પાંચ નામાંકિત સભ્યોની નિમણૂક કરવાની અને તેમાંથી ચાર સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મતદાનનો અધિકાર આપતી જોગવાઈ કરતો વટહુકમ બહાર પાડ્યો છે. સરકારના આ વટહુકમને કારણે ગોકુલ ડેરીના સંચાલન અને સત્તાના સમીકરણોમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેને લઈને વિરોધ પક્ષો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ યોજાયેલી ગોકુલ ડેરીની ૨૫ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને સતેજ પાટીલના નેતૃત્વ હેઠળની રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડીએ ૧૩ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે મહાયુતિ ગઠબંધનને ૧૨ બેઠકો મળી હતી. વિપક્ષોનો ગંભીર આરોપ છે કે ચૂંટણીમાં જનાદેશ વિપક્ષની તરફેણમાં આવતા ભાજપ સરકારે જાણી જોઈને સહકારી નિયમોમાં ફેરફાર કર્યો છે જેથી નામાંકિત સભ્યોના બળે સત્તા કબજે કરી શકાય. આ રાજકીય હસ્તક્ષેપ સામે કોલ્હાપુરમાં ખેડૂતોનો જ્વાળામુખી ફાટ્યો છે અને હજારોની સંખ્યામાં દૂધ ઉત્પાદકો પોતાના પશુઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
દશેરા ચોકથી કલેક્ટર કચેરી સુધી હજારોની સંખ્યામાં નીકળ્યો વિશાળ સંઘર્ષ મોરચો!
સહકારી સંસ્થાના નિયમો બદલવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોનો વિરોધ!
કોલ્હાપુરના ઐતિહાસિક દશેરા ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ અને ઉગ્ર સંઘર્ષ મોરચો કાઢવામાં આવ્યો હતો. કાળા વાવટા અને સરકાર વિરોધી બેનરો સાથે પ્રદર્શનકારીઓએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે સાંસદ વિશાલ પાટિલ, ધૈર્યશીલ મોહિતે-પાટિલ, સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજૂ શેટ્ટી તેમજ એનસીપી એસપી સાંસદ સુપ્રિયા સુળે સહિતના દિગ્ગજ નેતાઓ અને સ્થાનિક વકીલો પણ જોડાયા હતા. સુપ્રિયા સુળેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જનતાના મતની અવગણના કરીને સહકારી સંસ્થા પર અંકુશ મેળવવાની સરકારની આ નીતિ લોકશાહી માટે ઘાતક છે. આ સમગ્ર વિવાદ હવે માત્ર સડકની લડાઈ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે કોર્ટમાં પણ પહોંચી ગયો છે. સરકારના આ વિવાદાસ્પદ વટહુકમ સામે બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી અને મોરચાના રૂટ પર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગોકુલ ડેરીની આ લડાઈ હવે સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલઅંદાજી સામેની એક મોટી કાનૂની અને જન આંદોલનની લડાઈ બની ગઈ છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી















