આંધ્ર પ્રદેશમાં મોટી ખાણ દુર્ઘટના; ઓડિશાના 6 મજૂરોના મોત;10 ઘાયલ
આંધ્ર પ્રદેશના બાપટલામાં એક ખાણ દુર્ઘટનામાં છ મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના ગ્રેનાઇટની

આંધ્ર પ્રદેશના બાપટલામાં એક ખાણ દુર્ઘટનામાં છ મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના ગ્રેનાઇટની ખાણમાં બની હતી. દુર્ઘટનામાં 10 મજૂરો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ મજૂર ઓડિશાના હતા. દુર્ઘટના બાદ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના
પોલીસ અનુસાર, આ દુર્ઘટના બાપટલા જિલ્લાના બલ્લીકુરવામાં સત્યકૃષ્ણ ગ્રેનાઇટની ખાણમાં બની હતી. ખાણમાં એક પહાડનો મોટો ભાગ તૂટી પડવાને કારણે દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે ખાણમાં 16 મજૂર કામ કરતા હતા. આ દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 10 મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર
દુર્ઘટનામાં ઘાયલ થનારા મજૂરોને નરસારાવપેટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. બાપટલાના પોલીસ વડા તુષાર ડૂડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.








