મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં અખિલેશ યાદવે વધારી મહાવિકાસ અઘાડીની મુશ્કેલી, આટલી બેઠક પર ઉતારી દીધા ઉમેદવાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટની વહેંચણ

મહારાષ્ટ્રમાં અખિલેશ યાદવે વધારી મહાવિકાસ અઘાડીની મુશ્કેલી, આટલી બેઠક પર ઉતારી દીધા ઉમેદવાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટની વહેંચણીને લઇને નોમિનેશનના અંતિમ સમય સુધી પણ વાત બની નહતી. મહાવિકાસ અઘાડી પાસે પાંચ સીટોની આશામાં બેઠેલી સપાએ નવ બેઠક પર પોતાના ઉમેદવારોને નોમિનેશન ભરાવીને પેચ ફસાવ્યો છે. જોકે, પાર્ટીના સૂત્રો અનુસાર આ નક્કી થઇ ગયું કે સપાના વર્તમાન ધારાસભ્ય અબુ આઝમી અને રઇસ શેખ મહાવિકાસ અઘાડી હેઠળ ચૂંટણી લડશે. બાકી સાત ઉમેદવાર સપાએ ઉતાર્યા છે. હવે ચાર નવેમ્બરે નામ પરત ખેચ્યા બાદ મહાવિકાસ અઘાડીમાં સમાજવાદી પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકમાં સમાજવાદી પાર્ટી મહાવિકાસ અઘાડી પાસે પાંચ બેઠક માંગી રહી છે જેમાં ધુલે સિટી અને માલેગાંવ સેન્ટ્રલમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે જનસભા કરીને મહારાષ્ટ્ર ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ મુંબઇના માનખુર્દ શિવાજીનગર અને થાણેની ભિવંડી ઇસ્ટ બેઠક જીતી હતી. સપા તેની સાથે ત્રણ વધુ બેઠક માંગી રહી છે.

નવ બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર

હરિયાણાની જેમ કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીને મહત્ત્વ આપવા તૈયાર નથી. એવામાં સમાજવાદી પાર્ટીએ દબાણની રાજનીતિ અપનાવતા પાંચ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી પરંતુ હવે તેને કુલ 9 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

સપાએ આ બેઠક પર ઉતાર્યા ઉમેદવાર

સમાજવાદી પાર્ટીએ માનખુર્દ શિવાજીનગર અને ભિવંડી ઇસ્ટની સાથે સાથે માલેગાંવ સેન્ટ્રલથી શાન-એ-હિંદ નિહાલ અહેમદ, ધુલે સિટીથી ઇરશાદ જાગીરદાર, ભિવંડી વેસ્ટથી રિયાજ આઝમી, તુલજાપુરથી દેવાનંદ સાહેબરાવ રોચકરી, પરાંડાથી રેવણ વિશ્વનાથ ભોસલે, ઓરંગાબાદ પૂર્વથી ડૉ. અબ્દુલ ગફાર કાદરી સૈયદ અને ભાયખલાથી સઇદ ખાનને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો: Maharastraમાં 150 બળવાખોરોએ વધારી ચિંતા, ભાજપ - કોંગ્રેસ માટે બન્યા માથાનો દુઃખાવો

અબુ આઝમીએ શું કહ્યું?

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમીનું કહેવું છે કે મહાવિકાસ અઘાડીના બેનર હેઠળ બે બેઠક મળવાની સહમતિ બની છે. અમે મહાવિકાસ અઘાડીની સાથે વધુ બેઠક પર ચૂંટણી લડીશું.

મહારાષ્ટ્રમાં ક્યારે છે ચૂંટણી

મહારાષ્ટ્રમાં કૂલ 288 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થવાનો છે.

આ સમાચાર શેર કરો