મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભમાં પહેલા દિવસે 1.5 કરોડ લોકોએ કર્યું મહાસ્નાન

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં આજથી શ્રદ્ધાનું મહાનપર્વ મહાકુંભ શરૂ થયો છે. આજે

મહાકુંભમાં પહેલા દિવસે 1.5 કરોડ લોકોએ કર્યું મહાસ્નાન

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં આજથી શ્રદ્ધાનું મહાનપર્વ મહાકુંભ શરૂ થયો છે. આજે પોષ પૂર્ણિમાનું અમૃત સ્નાન છે. વહેલી સવારથી જ ભક્તો ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ પર ડૂબકી લગાવી રહ્યા છે. એવો અંદાજ હતો કે આજે લગભગ 1 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવશે પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટમાં માહિતી આપી હતી કે આજે 1.5 કરોડ લોકોએ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર લાભ મેળવ્યો છે.

1.50 કરોડ લોકોએ કર્યું પૂણ્ય સ્નાન

સીએમ યોગીએ પોતાના ટ્વીટમાં લખ્યું, “માનવતાના શુભ પર્વ મહાકુંભ 2025માં પૌષ પૂર્ણિમાના શુભ અવસર પર સંગમમાં સ્નાન કરવાનો લહાવો મેળવનારા તમામ સંતો, કલ્પવાસીઓ, ભક્તોને હાર્દિક અભિનંદન. આજે, પ્રથમ સ્નાન મહોત્સવ પર,1.50 કરોડ સનાતન શ્રદ્ધાળુઓએ અવિરત અને સ્વચ્છ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર લાભ મેળવ્યો.

તેમણે લખ્યું, 'મહાકુંભ મેળાનું સંચાલન, પ્રયાગરાજ પ્રશાસન, યુપી પોલીસ, પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્વચ્છાગ્રહીઓ, ગંગા સેવાદૂતો, કુંભ સહાયકો, ધાર્મિક-સામાજિક સંગઠનો, વિવિધ સ્વૈચ્છિક સંગઠનો અને મીડિયા જગતના મિત્રોએ પ્રથમ સ્નાન મહોત્સવને સફળ બનાવવામાં હૃદયપૂર્વક ભાગ લીધો. મહાકુંભ સાથે સંકળાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોનો આભાર.

મકરસંક્રાંતિમાં પૂણ્ય સ્નાન કરનારાઓની સંખ્યા આનાથી પણ વધારે હશે 

ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે કહ્યું, “મકરસંક્રાંતિ સ્નાન આજના સ્નાન કરતાં મોટું હશે. દોઢ વર્ષથી રાજ્ય સરકાર મેળાના વહીવટીતંત્ર સાથે મળીને આ માટે તૈયારી કરી રહી હતી. પ્રયાગરાજ શહેર અને 4,000 હેક્ટરમાં ફેલાયેલા મેળા વિસ્તારમાં લગભગ 7 હજાર કરોડ રૂપિયાના કામો થયા છે. સરકારે મહાકુંભ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને મને આશા છે કે મુલાકાતી ભક્તો અને પ્રવાસીઓને આ મહાકુંભનો ખૂબ જ સારો અનુભવ થશે.”

એક દિવસ પહેલા 50 લાખ લોકોએ કર્યું પૂણ્ય સ્નાન 

અધિકારીઓએ માહિતી આપી છે કે પ્રથમ સ્નાન ઉત્સવ, પોષ પૂર્ણિમાના એક દિવસ પહેલા રવિવારે લગભગ 50 લાખ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સંગમમાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ, પુરુષો, સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકોએ ડૂબકી લગાવી હતી. આ પહેલા શનિવારે પણ ૩૩ લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું.

આ સમાચાર શેર કરો