રામ મંદિરમાં હવે સોનાની રામાયણના પણ થશે દર્શન, 1.5 ક્વિન્ટલ છે પુસ્તકનું વજન
રામ મંદિરમાં હવે ભક્તો સોનાની રામાયણના દર્શન કરી શકશે. ગર્ભગૃહમાં આ

રામ મંદિરમાં હવે ભક્તો સોનાની રામાયણના દર્શન કરી શકશે. ગર્ભગૃહમાં આ રામાયણની વિધિવત સ્થાપના કરી દેવામાં આવી છે. આ ખાસ રામાયણ મધ્યપ્રદેશ કેડરના પૂર્વ IAS સુબ્રમણ્યમ લક્ષ્મીનારાયણ અને તેમનાં પત્ની સરસ્વતીએ રામ મંદિર ટ્રસ્ટને ભેટ કરી છે. મંગળવારે નવરાત્રિના પહેલા દિવસે રામાયણની સ્થાપના દરમિયાન લક્ષ્મીનારાયણ તેમનાં પત્ની સાથે હાજર રહ્યા હતા.
રામાયણનું આ પુસ્તક ચેન્નાઈના પ્રસિદ્ધ વુમમિડી બંગારુ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. રામાયણને ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિથી માત્ર 15 ફૂટના અંતરે એક પથ્થરના આસન પર રાખવામાં આવી છે. તેના શીર્ષ પર ચાંદીનો બનેલો રામનો પટ્ટાભિષેક છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવ, પૂજારી પ્રેમચંદ ત્રિપાઠી સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.
આ વિશેષ પ્રતિકૃતિનું દરેક પાનું 14 બાય 12 ઈંચના કદનું અને તાંબાથી બનેલું છે. જેના પર રામચરિતમાનસના શ્લોક અંકિત છે. 10,902 છંદવાળા આ મહાકાવ્યના દરેક પાના પર 24 કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. ગોલ્ડન પ્રતિકૃતિમાં લગભગ 480-500 પાના છે અને તે 151 કિલો તાંબા અને 3-4 કિલોગ્રામ સોનાથી બનેલી છે. દરેક પાનું ત્રણ કિલોગ્રામ તાંબાનું છે. ધાતુથી બનેલી આ રામાયણનું વજન 1.5 ક્વિન્ટલથી વધુ છે.






