ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓ સભા ગજવશેઃ જેલમાં બંધ નેતાઓના પણ નામ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટ

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં રહેલા સીએમ અરવિંદ કેજરીવાલનું નામ આ યાદીમાં પ્રથમ સ્થાને છે.
આ સિવાય સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. પંજાબના સીએમ ભગવંત માન, જેલમાં રહેલા AAP નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ પણ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંદીપ પાઠકનું નામ છે.
ગુજરાત ચૂંટણીના સ્ટાર પ્રચારકોમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હેમંત ખાવા, સુધીર વાઘાણી, અલ્પેશ કથિરીયા, રાજુભાઇ સોલંકી, જગમાલભાઇ વાલા, કૈલાશ ગઢવી, ડો. રમેશ પટેલ, પ્રવીણ રામ, પંકજ પટેલ વગેરના નામનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીની યાદી બહાર આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો છે કે, તિહાડ જેલમાં બંધ પાર્ટી પ્રમુખ અને દિલ્હી સીએમ કેજરીવાલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ સાથે સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયા પણ જેલમાં હોવાથી ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કેવી રીતે કરશે તે પ્રશ્ન છે. જણાવી દઈએ કે પાર્ટીએ આ યાદીમાં કુલ 40 નામોની જાહેરાત કરી છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા એલાયન્સ હેઠળ એકસાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતની ભરૂચ અને ભાવનગર સીટ પરથી ચૂંટણી લડી રહી છે. ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી અને ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.








