મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કુવૈત અગ્નિકાંડ મુદ્દે પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક, 40 ભારતીયોના થયા મોત

કુવૈતના મંગાફ શહેરમાં એક છ માળની બિલ્ડિંગમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતા 43 લોકોના મોત અને 30 લોકો ઈજાગ્રસ્ત

કુવૈત અગ્નિકાંડ મુદ્દે પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક, 40 ભારતીયોના થયા મોત

કુવૈતના મંગાફ શહેરમાં એક છ માળની બિલ્ડિંગમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતા 43 લોકોના મોત અને 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 40 ભારતીયો સામેલ છે. કુવૈત અગ્નિકાંડ પર પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી હતી. વિદેશ રાજ્યમંત્રીને કુવૈત જવા નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતક ભારતીય નાગરિકોના પરિવારોને રૂ. 2 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટમાં જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ આગની દુર્ઘટનામાં ઘાયલ થયેલા ભારતીયોની સહાયની દેખરેખ કરવા અને માર્યા ગયેલા લોકોના મૃતદેહોને ઝડપથી પરત લાવવા માટે તાત્કાલિક કુવૈત જવા રવાના થઈ રહ્યા છે."

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત આગને લઈને ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં લખ્યું કે, ‘કુવૈત શહેરમાં આગની ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.’

ભારતીય વિદેશમંત્રી જયશંકરે ટ્વિટ કર્યું

ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘કુવૈત શહેરમાં આગ લાગાવની માહિતી મળતા ઘણું દુઃખ થયું છે. આ ઘટનામાં 40થી વધુના મોત થયા છે અને 50થી વધુને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની અમને માહિતી મળી છે. અમારા કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ સંવેદના. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે લોકો ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અમારું દૂતાવાસ તમામ પ્રકારની મદદ કરશે.’

ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ઘટનનાની જાણ થતાં કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં પહોંચી ગયા છે. આ ઉપરાંત દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 જારી કર્યો છે. બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોના અપડેટ માટે આ હેલ્પલાઈન નંબર પર કોલ કરવા વિનંતી કરાઈ છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે, અમે તમામ પ્રકારની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ સમાચાર શેર કરો