'માથે ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષ...', જાણો કોણ છે 17 છોકરીઓની છેડતી કરનાર સ્વામી ચૈતન્યાનંદ
દિલ્હીના વસંત કુંજમાં આવેલી એક ખાનગી એન્જિનિયરિંગ સંસ્થાના મેનેજર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી

દિલ્હીના વસંત કુંજમાં આવેલી એક ખાનગી એન્જિનિયરિંગ સંસ્થાના મેનેજર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી વિરુદ્ધ અનેક વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ સ્વ-ઘોષિત ધર્મગુરુ, જેને પાર્થસારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે લગભગ 17 છોકરીઓ પર જાતીય હુમલો કર્યો છે. તે હાલમાં ફરાર છે. પીડિતોમાં એવી વિદ્યાર્થિનીઓ શામેલ છે જે EWS શિષ્યવૃત્તિ હેઠળ સંસ્થામાં PGDM અભ્યાસ કરી રહી છે. આ ચર્ચાસ્પદ કેસમાં સ્વઘોષિત ધર્મગુરુનું બેકગ્રાઉન્ડ જાણવું પણ જરૂરી છે.
સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી કોણ છે?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ચૈતન્યનંદ સરસ્વતી મૂળ ઓડિશાનો છે. છેલ્લા 12 વર્ષથી આશ્રમમાં રહીને પ્રાઈવેટ કોલેજનું મેનેજમેન્ટ કરી રહ્યો છે. ચૈતન્યાનંદ સરસ્વતીએ આશ્રમના ડિરેક્ટર અને કેરટેકર બંને તરીકે સેવા આપી હતી. હાલમાં તે વસંત કુંજ વિસ્તારમાં સ્થિત એક ખાનગી એન્જિનિયરિંગ સંસ્થાના મેનેજર છે. આવું પહેલીવાર નથી જ્યારે ચૈતન્યનંદ સરસ્વતીને ફોજદારી આરોપોનો સામનો કરવો પડ્યો હોય. વર્ષ 2009માં ડિફેન્સ કોલોનીમાં તેની સામે છેતરપિંડી અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2016માં વસંત કુંજમાં એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડીના આરોપોની તપાસ શરૂ કરી
દિલ્હી પોલીસે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓ સાથે થયેલા જાતીય સતામણી અને છેતરપિંડીના આરોપોની તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પાર્થ સારથીએ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓને અપશબ્દો કહ્યા હતા. WhatsApp/SMS થકી અશ્લીલ મેસેજ કર્યા હતા. સ્વામીએ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શ્રી શૃંગેરી મઠ અને તેની મિલકતોના સંચાલક શ્રી પી.એ. મુરલી વતી 4 ઓગસ્ટ, 2025 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધાયા
તપાસ દરમિયાન કુલ 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમાંથી 17 વિદ્યાર્થીનીઓએ આરોપી પર અપશબ્દોનો ઉપયોગ, અશ્લીલ મેસેજ અને શારીરિક સંપર્કનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે કેટલાક ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓએ તેમના પર દબાણ કર્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ વિદ્યાર્થીનીઓને ડરાવવા અને દબાણ કરવા માટે લાંબા સમય સુધી પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આ સૂચવે છે કે આ મામલો ફક્ત એક જ ઘટના પૂરતો મર્યાદિત નથી પરંતુ ઘણાં લાંબા સમયથી આ કોલેજમાં આવું ચાલી રહ્યું હતું.
કાનૂની કાર્યવાહી તેજ
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ અને આરોપીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી ફરાર છે. પોલીસે SRISIIM માંથી NVR અને હાર્ડ ડિસ્ક જપ્ત કરીને FSLમાં મોકલી આપી. માનનીય JMFC પટિયાલા હાઉસ કોર્ટમાં કલમ 183 BNSS હેઠળ 16 પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.







