જાણો, કોણ છે પી.સી.મોદી જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવશે
જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ

જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. શુક્રવારે ચૂંટણી પંચે રાજ્યસભા મહાસચિવ પી.સી.મોદીને આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કર્યા છે. સાથે જ રાજ્યસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ પદ પર રહેલા ગરિમા જૈન અને વિજય કુમાર (નિર્દેશક)ને સહાયક રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રક્રિયા અનુસાર લોકસભા મહાસચિવ કે રાજ્યસભા મહાસચિવને એક બાદ એક નિર્વાચન અધિકારી નિયુક્ત કરવામાં આવે છે. પાછલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન લોકસભાના મહાસચિવ નિર્વાચન અધિકારી હતા. જો કે, પી.સી. મોદીની નિયુક્તિને લઈને કેટલાક વિવાદો સામે આવ્યા છે.
કોણ છે પી.સી.મોદી?
પી.સી. મોદી નવેમ્બર 2021માં રાજ્યસભાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે રાજ્યસભા મહાસચિવના પદ પર પી.સી. મોદીની નિયુક્તિ પર સવાલો ઉઠ્યા છે. નવેમ્બર 2021માં જ્યારે તેમને રાજ્યસભાના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા, ત્યારે વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો, કે કેમ પૂર્વવર્તી પીપીકે રામાચર્યુલુને ફક્ત બે મહિનામાં જ પદ પરથી હટાવી દેવામાં આવ્યા.
વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે કે કેમ રામચર્યુલુને હટાવીને મોદીને આ જવાબદારી આપવામાં આપી. આ બદલાવ 2021ના ચોમાસુ સત્રમાં જ થયો હતો. જેના કારણે આ નિયુક્તિને હવે વધુ શંકાસ્પદ ગણવામાં આવે છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, આ નિર્ણય ચોંકાવનારો હતો, સત્ર પહેલા જ બોલાવવામાં આવ્યું હતું, તો અચાનક બદલાવ કેમ કર્યો? આની પાછળ શું કારણ છે, એ આપણે જાણવું પડશે.
ખડગેએ વધુમાં કહ્યું કે, કાનૂની વિશેષજ્ઞોને જ રાજ્યસભાના મહાસચિવ બનાવવામાં આવે છે. જ્યારે પી.સી.મોદી ભારતીય રાજસ્વ સેના (IRS)ના 1982 બેચના અધિકારી છે, જે મે 2021માં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)ના ચેરમેન પદથી નિવૃત્ત થયા હતાં. કોંગ્રેસના રાજ્યસભામાં મુખ્ય વ્હિપ જયરામ રમેશે પણ ટ્વીટપ પર પ્રતિક્રિયા આપી છે, તેમણે પોસ્ટ કરીને કહ્યું છે કે, "કોઈ આશ્ચર્ય નથીં. ડૉ.પી.પી.રામાચર્યુલુ એક પ્રોફેશનલ, નિષ્પક્ષ અને યોગ્ય વ્યક્તિ છે અને મોદી શાસનમાં આ ત્રણ સૌથી મોટા અપરાધ છે.
તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દલે પણ આ બદલાવ પર સવાવ ઉઠાવ્યા છે. ટીએમસીના ચીફ વ્હિપ સુખેંદુ શેખર રૉયે કહ્યું હતું કે, "ફક્ત 73 દિવસ પહેલા નિયુક્ત કરેલી વ્યક્તિને અચાનક એક આઈઆરએસ અધિકારીથી કેમ બદલવામાં આવ્યો છે" રાજદના રાજ્યસભા નેતા મનોજ જાએ પણ કહ્યું કે, રામાચર્યુલુ એક પણ સત્રમાં સામેલ ન થઈ શક્યા કારણ કે તેમની નિયુક્તિ પાછલા સત્ર પછી થઈ હતી. અને નવા સત્ર પહેલા કોઈ નવાની નિયુક્તિ કરવામાં આવી, જે કેટલાક સવાલો ઉભા કરે છે.
પી.સી.મોદી વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો લાગી ચૂક્યા છે
પી.સી.મોદી પહેલા પણ કેટલાક વિવાદોમાં હતા, મુંબઈમાં તત્કાલીન મુખ્ય આવકવેરા કમિશનરे નાણાંમંત્રી નિર્મલા સીતારમણને એક ફરિયાદ કરી હતી, જેમાં પીસી મોદી પર એક સંવેદનશીલ મામલો દબાવી દેવાનો નિર્દેશ આપવાનો આરોપ હતો. ફરિયાદમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો સીબીડીટી અધ્યક્ષ પીસી મોદીએ ચીફ કમિશનરને જાણ કરી હતી કે વિપક્ષી નેતા વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહીના કારણે તેમણે પોતાનું પદ સુરક્ષિત કરી લીધુ છે. ફરિયાદના બે મહિના બાદ સરકારે તેમનો એક વર્ષનો કાર્યકાળ વધારી દીધો હતો, જે બાદ પ્રમુખ કર નિકાયના પ્રમુખ તરીકે વધુ બે વર્ષનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે?
બંધારણના અનુચ્છેદ 66(1) મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (STV) પદ્ધતિ અને ગુપ્ત મતદાન દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ યોજાઈ છે. રિટર્નિંગ ઓફિસર સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે, જેમાં ચૂંટણીની સૂચના જારી કરવી, નામાંકન પત્રો સ્વીકારવા, સિક્યોરિટી ડિપોઝિટ એકત્રિત કરવા, નામાંકનની ચકાસણી કરવી, ઉપાડની પ્રક્રિયા કરવી અને અંતે મત ગણતરીનું નિરીક્ષણ કરવું. હવે જ્યારે ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરી છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.








