'ભ્રષ્ટાચારના દાગ સાથે CMની ખુરશી પર નથી બેસી શકતો', દિલ્હીમાં જંતર મંતર ખાતે કેજરીવાલની 'જનતા કી અદાલત'
દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 'જનતા કી અદાલત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

દિલ્હીના જંતર મંતર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા 'જનતા કી અદાલત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, '4 એપ્રિલ, 2011નો દિવસ હતો જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલન શરૂ થયું હતું. અમે ઇમાનદારીથી સરકાર ચલાવતા હતા, જનતાને સુવિધાઓ આપી. મફત વીજળી આપી, પાણી મફત આપ્યું, મહિલાઓની બસ સેવા ફ્રી કરી, વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી. હોસ્પિટલ, મોહલ્લા ક્લીનિક અને શાનદાર સ્કૂલો બનાવી. 10 વર્ષ સુધી ઇમાનદારીથી કામ કર્યું તો નરેન્દ્ર મોદીને લાગવા લાગ્યું કે તેમનાથી જીતવું છે તો ઇમાનદારી પર ચોટ કરો માટે તેમણે અમારા પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યા. અમારા મંત્રી અને નેતાઓને એક પછી એક જેલમાં નાખ્યા.'
અરવિંદ કેજરીવાલે જનતા પાસે પોતાની ઇમાનદારીનું સર્ટિફિકેટ પણ માંગ્યું હતું. કેજરીવાલે કહ્યું, જેમને લાગે છે કે નરેન્દ્ર મોદીએ કેજરીવાલ વિરૂદ્ધ ષડયંત્ર રચ્યું છે તે હાથ ઊંચો કરે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીની ચૂંટણી કોઇ સામાન્ય ચૂંટણી નથી. આ મારી પ્રતિષ્ઠાથી જોડાયેલું છે. જો દિલ્હીની જનતાને લાગે છે કે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર કર્યો છે તો તમે ઝાડુનું બટન ના દબાવતા, મને વોટ ના આપતા. જો તમને લાગે છે કે કેજરીવાલ ઇમાનદાર છે તો આમ આદમી પાર્ટી માટે મત આપજો. તમારો દરેક મત મારી ઇમાનદારીનું સર્ટિફિકેટ હશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, 'ભ્રષ્ટાચાર કર્યો હોત તો 10 વર્ષમાં 10 કોઠી, ઘર બની જાતા પરંતુ 10 વર્ષમાં જનતાનો પ્રેમ કમાવ્યો છે. આ કેસ આટલો જલદી ખતમ થવાનો નથી. જેટલા દિવસ સુધી આ કેસ ચાલશે હું ભ્રષ્ટાચારના દાગ સાથે મુખ્યમંત્રીની ખુરશી પર બેસી શકતો નથી. આ દાગ સાથે હું જીવતો નહીં રહી શકું માટે મે રાજીનામું આપીને જનતાની અદાલતમાં જવાનું નક્કી કર્યું. દિલ્હીની જનતા જણાવે, હું બેઇમાન હોત તો વીજળી મફત કરી શકતો? વીજળી મફત કરવામાં પણ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. બેઇમાન હોત તો મહિલાઓ શું મફત મુસાફરી કરી શકત? બેઇમાન હોત તો બાળકોની સ્કૂલ બનાવતો? બેઇમાન હોત તો સારવાર મફત કરાવતો?'
દિલ્હીમાં રહેવા માટે મારી પાસે ઘર નથી
અરવિંદ કેજરીવાલે કહ્યું, '10 વર્ષ બાદ મે સીએમ પદેથી રાજીનામું આપ્યું છે. થોડી વારમાં મુખ્યમંત્રી આવાસ પણ છોડી દઇશ. આજે દિલ્હીમાં રહેવા માટે મારી પાસે ઘર પણ નથી.'
કેજરીવાલે મોહન ભાગવતને પૂછ્યા પાંચ સવાલ
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, RSS કહે છે કે અમે રાષ્ટ્રવાદી અને દેશભક્ત છીએ. પુરા સમ્માન સાથે હું મોહન ભાગવતને પાંચ સવાલ પૂછવા માંગુ છું.
1- જે રીતે મોદીજી પાર્ટીઓ તોડી રહ્યાં છે અને દેશભરમાં સરકારોને લાલચ આપી અથવા ED અને CBIની ધમકી આપીને તોડી પાડે છે, શું આ યોગ્ય છે?
2- મોદીજીએ પોતાની પાર્ટીમાં સૌથી ભ્રષ્ટ નેતાઓને સામેલ કર્યા છે જેમને તે ખુદ ભ્રષ્ટ કહે છે, શું તમે આવી રાજનીતિથી સહમત છો?
3-ઓ ભાજપ RSSની કોખથી પેદા થઇ છે, ભાજપને ગુમરાહ ના થવા દેવી RSSની જવાબદારી છે, શું તમે ક્યારેય મોદીજીને ખોટા કામ કરતા રોક્યા છે?
4- લોકસભા ચૂંટણી દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું હતું કે તેમને RSSની જરૂર નથી. શું પુત્ર એટલો મોટો થઇ ગયો કે તે માતાને જ આંખો બતાવવા લાગ્યો છે? પુત્ર માતૃસંસ્થા પ્રત્યે પોતાની નારાજગી બતાવી રહ્યો છે. શું તમને દુ:ખ નથી થયું જ્યારે તેમને આવું કહ્યું?
5- તમે લોકોએ કાયદો બનાવ્યો હતો કે નેતા 75 વર્ષ પછી રિટાયર થઇ જશે..અમિત શાહ કહી રહ્યાં છે કે આ નિયમ મોદીજી પર લાગુ નથી થતો. જે વાત અડવાણી પર લાગુ થાય છે, તે મોદી પર કેમ લાગુ નથી થતી?...
કેજરીવાલ અને મારી રામ-લક્ષ્મણની જોડી- મનીષ સિસોદિયા
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, 'લોકોને દુ:ખ છે કે એકે હવે મુખ્યમંત્રી નથી પરંતુ લોકો આ વાતથી ખુશ છે કે કેજરીવાલે એક તાનાશાહના જેલના સળિયા તોડી નાખ્યા છે. જેલમાં મને કહેવામાં આવ્યું કે તમારા પત્ની બીમાર છે અને પુત્ર બહાર ભણી રહ્યો છે. મારા એકાઉન્ટના 10 લાખ રૂપિયા પણ તેમને જપ્ત કરી લીધા.મારો પુત્ર કોલેજમાં ભણે છે. મારે તેની ફી ભરવા માટે લોકો સામે હાથ ફેલાવવા પડ્યાા, તેમનો પ્રયાસ હતો કે હું તૂટી જઇશ. જ્યારે બહારથી ના તૂટ્યો તો અંદરથી તોડવાનો પ્રયાસ કર્યો. CBIએ કહ્યું કે મનીષ સિસોદિયાએ કેજરીવાલનું નામ લીધુ. મને જેલમાં કહેવામાં આવ્યું કે જુઓ કેજરીવાલે તમારૂ નામ લઇ લીધુ છે, તમે તેમનું નામ લઇ લો તો તમે બચી જશો. હું તેમને કહું છું, તમે લક્ષ્મણને રામથી અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો. દુનિયામાં કોઇ તાકાત નથી જે લક્ષ્મણને રામથી અલગ કરી શકે. અરવિંદ કેજરીવાલ સાથે મારી 26 વર્ષ જૂની મિત્રતા છે. તે મારા રાજકીય ગુરુ છે.'
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. 15 સપ્ટેમ્બરે કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને 17 સપ્ટેમ્બરે સીએમ પદ છોડી દીધુ હતું. અરવિંદ કેજરીવાલે AAPના કાર્યકર્તાઓને કહ્યું હતું કે જ્યાર સુધી જનતાની અદાલતમાં તેમને ઇમાનદાર સાબિત કરવામાં નથી આવતા ત્યાર સુધી તે દિલ્હીમાં મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. અરવિંદ કેજરીવાલની જગ્યાએ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.








