'PM મોદીને ખોટા કામ કરતા રોક્યા છે ખરા?' કેજરીવાલે RSS વડા ભાગવતને પત્ર લખી માંગ્યા આ 5 સવાલના જવાબ
આમ આદમી પાર્ટી (AAP)ના વડા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર

આમ આદમી પાર્ટી (AAP)ના વડા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે. RSS વડાને ઉદ્દેશીને લખેલા પત્રમાં કેજરીવાલે પીએમ મોદીની ઉંમર અને 'તપાસ એજન્સીઓના દુરુપયોગ'નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, "હું આ પત્ર કોઈ રાજકીય પક્ષના નેતા તરીકે નથી લખી રહ્યો, પરંતુ આ દેશના એક સામાન્ય નાગરિક તરીકે લખી રહ્યો છું. હું આજે દેશની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છું. ભાજપની કેન્દ્ર સરકાર દેશ અને રાજનીતિને જે દિશામાં લઈ જઈ રહી છે, તે સમગ્ર દેશ માટે નુકસાનકારક છે.
કેજરીવાલે કહ્યું કે, જો દેશમાં આવું ચાલતું રહેશે તો એક દિવસ આપણું લોકતંત્ર ખતમ થઈ જશે, દેશ ખતમ થઈ જશે. પાર્ટીઓ તો આવશે અને જશે, ચૂંટણી આવશે અને જશે, નેતાઓ આવશે અને જશે, પરંતુ ભારત દેશ હંમેશા રહેશે. આપણા સૌની જવાબદારી છે કે આ દેશનો ત્રિરંગો હંમેશા ગર્વથી આકાશમાં લહેરાતો રહે. આ સંદર્ભમાં, લોકોના મનમાં કેટલાક પ્રશ્નો છે, જે હું તમારી સમક્ષ મૂકું છું. મારો હેતુ માત્ર ભારતીય લોકશાહીને બચાવવા અને મજબૂત કરવાનો છે.
મોહન ભાગવત પર સવાલ ઉઠાવી રહેલા અરવિંદ કેજરીવાલે ચોક્કસપણે બીજેપી અને નરેન્દ્ર મોદી સામે જોરદાર રાજકીય ચાલ ચાલી છે.
ચૂંટાયેલી સરકારોને પછાડવી લોકશાહી માટે યોગ્ય છે?
દેશભરમાં વિવિધ પ્રકારની લાલચો આપીને અથવા ED-CBIની ધમકીઓ આપીને અન્ય પાર્ટીના નેતાઓને તોડવામાં આવી રહ્યા છે, તેમની પાર્ટીઓને તોડવામાં આવી રહ્યા છે. શું આ રીતે ચૂંટાયેલી સરકારોને પછાડવી એ દેશ અને દેશની લોકશાહી માટે યોગ્ય છે? કોઈપણ પ્રકારની બેઈમાની કરીને સત્તા સત્તા મેળવવી શું તમને કે RSSને સ્વીકાર્ય છે?
તમે કે આરએસએસના કાર્યકરોએ આવી ભાજપની કલ્પના કરી હતી?
દેશના કેટલાક નેતાઓને ખુદ પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચારી કહ્યા અને તેના થોડા દિવસો પછી બીજેપીમાં સામેલ કર્યા. 28 જૂન, 2023 ના રોજ પીએ મોદીએ એક જાહેર ભાષણમાં એક પાર્ટી અને તેના નેતા પર 70 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો. થોડા દિવસોમાં એ પાર્ટીને તોડીને એ જ નેતા સાથે સરકાર બનાવી લીધી અને જેને તેઓ ભ્રષ્ટ કહેતા હતા એ જ નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવી લીધા. આવા અનેક કિસ્સાઓ છે જ્યારે અન્ય પક્ષોના ભ્રષ્ટ નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હોય. શું તમે કે આરએસએસના કાર્યકરોએ આવી ભાજપની કલ્પના કરી હતી? આ બધું જોયા પછી તમને દુઃખ નથી થતું?
તમે ક્યારેય પીએમ મોદીને આવા ખોટા કામ કરતા રોક્યા છે ખરા?
ભાજપ એ પાર્ટી છે જેનો જન્મ RSS થકી થયો છે. જો ભાજપ ભ્રમિત થઈ જાય તો તેને સાચા માર્ગ પર લાવવાની જવાબદારી આરએસએસની છે. શું તમે ક્યારેય પીએમ મોદીને આવા ખોટા કામ કરતા રોક્યા છે ખરા?
નડ્ડાજીના નિવેદનથી દરેક RSS કાર્યકર્તાને ઘણું દુઃખ થયું
લોકસભા ચૂંટણી દરમિયાન જેપી નડ્ડાજીએ એક સભામાં કહ્યું હતું કે, ભાજપને હવે RSSની જરૂર નથી. એક રીતે આરએસએસ ભાજપની માતા ગણાય છે. શું દીકરો એટલો મોટો થઈ ગયો છે કે તે માતાને આંખો બતાવવા લાગ્યો છે? નડ્ડાજીના આ નિવેદનથી દરેક RSS કાર્યકર્તાને ઘણું દુઃખ થયું છે. દેશ જાણવા માંગે છે કે તેમના નિવેદનથી તમારા દિલને શું થયું?
તમે બધાએ મળીને એક કાયદો બનાવ્યો કે ભાજપના નેતાઓ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થઈ જશે. આ કાયદાનો બહોળો પ્રચાર કરાયો અને આ નિયમ હેઠળ અડવાણીજી અને મુરલી મનોહર જોશીજી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરાયા. છેલ્લા 10 વર્ષોમાં આ કાયદા હેઠળ ખંડુરી, શાંતા કુમાર, સુમિત્રા મહાજન વગેરેએ નિવૃત્તિ લીધી. હવે અમિત શાહ કહે છે કે આ કાયદો મોદીજી પર લાગુ નહીં થાય. શું તમે સંમત છો કે જે કાયદા હેઠળ અડવાણીજી નિવૃત્ત થયા હતા તે કાયદો હવે મોદીજી પર લાગુ નહીં પડે? શું કાયદો દરેક માટે સમાન ન હોવો જોઈએ?
કેજરીવાલે પત્રના છેલ્લા ભાગમાં લખ્યું છે કે આજે દરેક ભારતીયના મનમાં આ સવાલો ઉઠી રહ્યા છે. મને આશા છે કે તમે આ પ્રશ્નો પર વિચાર કરશો અને લોકોને આ પ્રશ્નોના જવાબો આપશો.








