લોકસભામાં વોટ ચોરી મુદ્દે કંગના રણૌતના કોંગ્રેસ પર આકરા પ્રહાર, વિદેશી મહિલાની માંગી માફી
સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, જ્યાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્

સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે, જ્યાં શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન લોકસભામાં અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રણૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા 'મત ચોરી' ના આક્ષેપો પર આકરી ટીકા કરી હતી, અને આ મામલે એક વિદેશી મહિલાની માફી માંગી હતી.
મતદાર યાદીમાં બ્રાઝિલિયન મહિલાનો ફોટો
તાજેતરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપના સમર્થનમાં તેમણે બ્રાઝિલની એક મહિલાની તસવીર જાહેર કરીને દાવો કર્યો હતો કે તે તસવીર હરિયાણા વિધાનસભાની મતદાર યાદીમાં છે. જો કે, બાદમાં બ્રાઝિલની તે મહિલાએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે 'હું ક્યારેય ભારત ગઈ નથી.'
લોકસભામાં કંગના રણૌતના કોંગ્રેસ પર પ્રહાર
આ સમગ્ર ઘટના અંગે લોકસભામાં ભાજપના સાંસદ કંગના રણૌતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'બ્રાઝિલિયન મહિલાએ સોશિયલ મીડિયા પર વારંવાર કહ્યું છે કે તે ક્યારેય ભારતની મુલાકાત લીધી નથી અને હરિયાણાની ચૂંટણી સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં, આ લોકોએ તેની તસવીર લીધી અને સંસદમાં જાહેર કરી.
ત્યારબાદ કંગના રણૌતે બ્રાઝિલિયન મહિલાની માફી માંગતા કહ્યું કે, 'સમગ્ર ગૃહ તરફથી હું બ્રાઝિલિયન મહિલાની માફી માંગુ છું.'
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ભાજપ અને ચૂંટણી પંચ પર મત ચોરીના આક્ષેપો સતત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વિવિધ ચૂંટણીઓની મતદાર યાદીઓમાં અનિયમિતતાઓનો દાવો કરતી અનેક પ્રેસ કોન્ફરન્સ કરી છે, પરંતુ બ્રાઝિલિયન મહિલાની તસવીર જાહેર કરવાનો મુદ્દો હવે લોકસભામાં ગરમાયો હતો.








