મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નાસાને પાછળ છોડતી ઇસરોની સ્પેસ ઓબ્ઝર્વેટરી: બ્રહ્માંડના સંશોધનમાં ભારતની એસ્ટ્રોનોમી સેટેલાઇટે મેળવી અદભુત સફળતા

નાસાને પાછળ છોડતી ઇસરોની સ્પેસ ઓબ્ઝર્વેટરી: બ્રહ્માંડના સંશોધનમાં ભારતની એસ્ટ્રોનોમી સેટેલાઇટે મેળવી અદભુત સફળતા
આ સમાચાર સાંભળો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન( ઇસરો) ની પહેલી એસ્ટ્રોનોમી સેટેલાઇટ(એસ્ટ્રોસેટ) ઓબ્ઝર્વેટરી( વેધશાળા) એ ૨૦૨૬ની ૨૮, સપ્ટેમ્બરે તેની સંશોધન કામગીરીનાં ૧૧ વર્ષ સફળતાપૂર્વક પૂરાં કર્યાં છે. એસ્ટ્રોસેટ આમ તો એક સેટેલાઇટ છે પણ તેની સંશોધન કામગીરી એક અત્યાધુનિક વેધશાળા જેવી છે.

એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળાનો હેતુ : પાંચ અત્યાધુનિક સ્પેસ ટેલિસ્કોપ્સ :
ઇસરોએ અત્યારસુધીમાં રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ (ભારતના ભૂગર્ભમાંનાં ખનિજ તત્વો, જળ ભંડાર, હવામાનની આગાહી) અને કમ્યુનિકેશન્સ સેટેલાઇટ્સ

(સંદેશા વ્યવહાર, કમ્પ્યુટર,બેન્કિંગ સેવા) તરતા મૂકીને ભારતમાં વિવિધ ક્ષેત્રની સુવિધા વિકસાવી છે. જોકે ભારત વિશ્વના અન્ય દેશની સરખમાણીએ અંતરિક્ષ સંશોધનના ક્ષેત્રમા પણ મહત્વનું યોગદાન આપી શકે છે તેવા હેતુસર એસ્ટ્રોનોમી સેટેલાઇટ તરતો મૂકવામાં આવ્યો છે. સરળ રીતે સમજીએ તો એસ્ટ્રોસેટનો હેતુ કલ્પનાતીત ઉષ્ણાતામાન ધરાવતા બ્રહ્માંડમાં, આપણા સૂર્ય કરતાં ૨૦, ૫૦,૧૦૦ ગણા વધુ મોટા તારામાં, આકાશગંગાઓમાં હરપળે થતા પ્રચંડ વિસ્ફોટનો ગહન સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.

૨૦૧૫ની ૨૮, સપ્ટેમ્બરે પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વેહિકલ (પીએસએલવી) - વી - સી- ૩૦ રાકેટ દ્વારા અંતરિક્ષમાં ૬૫૦ કિલોમીટરના અંતરે તરતા મૂકાયેલા એસ્ટ્રોનોમી સેટેલાઇટમાં અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (યુવીઆઇટી), સોફ્ટ એક્સ -રે ટેલિસ્કોપ (એસએક્સટી), સ્કેનિંગ એક્સ -રે સ્કાય મોનિટરિંગ (એસએસએમ), લાર્જ એરિયા ઝેનન પ્રપોશનલ કાઉન્ટર (એલએએક્સપીસી), કેડેમિયમ ઝીન્ક ટેલ્યુરાઇડ ઇમેજર (સીઝેડટીઆઇ) એમ કુલ પાંચ અત્યાધુનિક સ્પેસ ટેલિસ્કોપ્સ છે.

આ પાંચમાંનાં એસએક્સટી, એલએએક્સપીસી, સીઝેડટીઆઇ એમ ત્રણ સ્પેસ ટેલિસ્કોપ્સ ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટીઆઇએફઆર- મુંબઇ)માં તૈયાર થયાં છે, જ્યારે એસએસએમઇસરોના બેંગલુરુ કેન્દ્રમાં અને યુવીઆઇટી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, ઇન્ટર યુનિવર્સિટી ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇયુસીએએ - પુણે) માં તૈયાર થયાં છે.

એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળાની સંશોધન કામગીરી નાસાની વેધશાળા કરતાં પણ વધુ ઉજળી :વિશ્વમાં ૫૩૯ સંશોધનપત્ર રજૂ થયાં 

એસ્ટ્રોનોમી સેટેલાઇટ પ્રોજેક્ટના સભ્ય અને સોફ્ટ એક્સ -રે ટેલિસ્કોપના સિનિયર વિજ્ઞાાની ડો. કે.પી. સિંહે તેમના બહોળા સંશોધનાત્મક અભ્યાસ દ્વારા મોહાલીથી ગુજરાત સમાચારને એવી વિશિષ્ટ માહિતી આપી છે કે અસ્ટ્રોસેટ વેધશાળાએ તેની ૧૧ વર્ષની ઝળહળતી સંશોધન કામગીરી દરમિયાન અનંત,અફાટ, અજીબોગરીબ અંતરિક્ષમાંના ઘણાં રહસ્યો નો અને આશ્ચર્યોનો તાગ મેળવ્યો છે. આ સંશોધનમાં બ્રહ્માંડમાં નવા જન્મતા તારા, આપણા સૂર્ય કરતાં પણ ૨૦,૫૦,૧૦૦ ગણા વધુ વિરાટ તારા, નોવા, સુપરનોવા, બાઇનરી સિસ્ટમ( બે તારાનું સૌર મંડળ), વ્હાઇટ ડ્વાર્ફ(સફેદ થઇ ગયેલો તારો), ન્યુટ્રોન સ્ટાર્સ(આપણા સૂર્યના દળ કરતાં ઘણું વધુ દળ ધરાવતા સુપર જાયન્ટ સ્ટારનું મૃત્યુ થાય ત્યારે જે સુપરનોવા વિસ્ફોટ થાય તેનો અવશેષ), પલ્સાર્સ, ક્વેઝાર્સ, બ્લેકહોલ્સ, અતિ અતિ દૂરની ગેલેક્સીઝ વગેરેનો સમાવેશ થાય છે.

ખુશીની બાબત એ પણ છે કે એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળાની ઉજળી સંશોધન કામગીરી અને તેના પરિણામ વિશે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓએ કુલ ૫૩૯ સંશોધનપત્રો પણ રજૂ કર્યાં છે.

ભારત અને ખાસ કરીને ઇસરો માટે ગૌરવની બાબત એ છે કે એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળાએ અનંત અંતરિક્ષમાંનાં કોસ્મિક એક્સ -રેઝ અને અલ્ટ્રાવાયોલેટ રેઝના સંશોધનમાં અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) ના ગેલેક્સી ઇવોલ્યુશન એક્પ્લોરર(જીએએલઇએકસ) સેટેલાઇટ ઓબ્ઝર્વેટરીની કામગીરી કરતાં પણ ત્રણ -ચાર( ૩ -૪) ગણી વધુ સ્પષ્ટ અને સચોટ કામગીરી કરી છે.

એક કદમ આગળ વધીને એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળાએ તેની ૧૧ વર્ષની ઉજળી કામગીરી દરમિયાન આપણી જ મિલ્કી વે ગેલેક્સી(આકાશગંગા) માં ૧,૭૧૩ આકાશીપીંડોના સંશોધનમાં નાસાની સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી( નીલ ગેહ્રેલ્સ સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી) ની કરમગીરી કરતાં પણ વધુ અસરકારક કામગીરી કરી છે. એટલે કે નાસાની નીલ ગેહ્રેલ્સ સ્વિફ્ટ ઓબ્ઝર્વેટરી એક દિવસમાં અંતરિક્ષના આકાશીપીંડોના સંશોધન માટે બહુ થોડો સમય એક્સ્પોઝર કરી શકે છે, જ્યારે ઇસરાની એસ્ટ્રોસેટ ઓબ્ઝર્વેટરી આ જ સંશોધન કામગીરી ઘણા દિવસ સુધી કરી શકે છે. પરિણામે જે તે આકાશપીંડ વિશે ઘણી વધુ અને સચોટ માહિતી મળી શકે છે.

ચાર ટલિસ્કોપ્સ એક આકાશીપીંડ પર સતત નજર રાખી શકે છે : એસ્ટ્રોનોમી સેટેલાઇટ પ્રોજેક્ટના સિનિયર વિજ્ઞાાની ડો. એ.આર. રાવે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે એસ્ટ્રોેસેટમાંનાં ચાર ટેલિસ્કોપ્સ અંતરિક્ષના કોઇપણ એક ચોક્કસ પદાર્થનો એક સાથે સંશોધનાત્મક અભ્યાસ કરી શકે છે. જ્યારે એક ટેલિસ્કોપ બ્રહ્માંડમાં થતી ગતિવિધિ પર સતત નજર રાખી શકે છે. આવી વિશિષ્ટ ટેકનોલોજીથી એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળા પેલા આકાશીપીંડમાં હરપળે થતી અજીબોગરીબ અને આશ્ચર્યજનક ગતિવિધિની સતત જાણકારી મેળવી શકે છે.

એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળા કઇ રીતે ઠંડી રહે છે : એસ્ટ્રોનોમી સેટેલાઇટ વેધશાળામાં ખાસ ટેકનોલોજી ધરાવતું ઇલેક્ટ્રીક કુલર ગોઠવવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રીક કુલર અંતરિક્ષની ગરમી શોષી લેતું હોવાથી વધશાળા આપમેળે જ ઠંડી અને સુરક્ષિત રહે છે.સાથોસાથ વેધશાળા ફરતે થર્મલ બ્લેન્કેટનું વિશિષ્ટ પ્રકારનું આવરણ પણ લગાડવામાં આવ્યું હોવાથી સૂર્યની ધગધગતી ગરમીથી તેનું રક્ષણ થાય છે.

આ સમાચાર શેર કરો