મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં 11 બેઠકો પર 'ફ્રેન્ડલી ફાઈટ', કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં અંદરોઅંદર ટક્કરઃ NDAનો ટોણો

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી

બિહારમાં 11 બેઠકો પર 'ફ્રેન્ડલી ફાઈટ', કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં અંદરોઅંદર ટક્કરઃ NDAનો ટોણો

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષી મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને સર્વસંમતિનો અભાવ સ્પષ્ટપણે સામે આવ્યો છે. ઉમેદવારોની યાદીના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે ગઠબંધનના પક્ષો વચ્ચે ઓછામાં ઓછી 11 બેઠકો પર સીધી લડાઈ થશે, જે વિપક્ષમાં સંકલનના ગંભીર અભાવને ઉજાગર કરે છે.

ગઠબંધનની અંદર જ ટક્કર

RJD અને કોંગ્રેસ: 6 બેઠકો પર આમને-સામને.
CPI અને કોંગ્રેસ: 4 બેઠકો પર આમને-સામને.
VIP અને RJD: ચૈનપુરની એક બેઠક પર લડશે.

આરજેડીએ 143 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં વૈશાલી, સિકંદરા, કહલગાંવ, સુલતાનગંજ, નરકટિયાગંજ અને વર્સાલીગંજ જેવી છ બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં કોંગ્રેસે અગાઉથી જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામની નજર હવે 23મી ઑક્ટોબર પર છે, જે બીજા તબક્કા માટે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં વિપક્ષી છાવણીમાં કોઈ સમાધાન થાય છે કે કેમ તે સ્પષ્ટ થશે.

વિપક્ષ પર BJP અને LJPના પ્રહાર

મહાગઠબંધનમાં આંતરિક વિભાજનને પગલે NDA અને ચિરાગ પાસવાનને વિપક્ષ પર પ્રહાર કરવાનો નવો મુદ્દો મળી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, 'આરજેડીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ થયું છે કે ટિકિટ વિતરણમાં કોઈ માપદંડનું પાલન થયું નથી. મહાગઠબંધન સંપૂર્ણપણે 'મહાફુટ' નો ભોગ બની ગયું છે. આરજેડીએ પોતાના જ કાર્યકરોની અવગણના કરી છે અને આ યાદીમાં એક પણ ઉમેદવાર એવો દેખાતો નથી જે જીતી શકે.'

LJPના વડા ચિરાગ પાસવાને પણ આ સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મેં ક્યારેય એવી ચૂંટણી જોઈ નથી જેમાં આટલું મોટું ગઠબંધન તૂટી પડવાની અણી પર હોય. બેઠકોની ફાળવણી પર મતભેદ એક વાત છે, પરંતુ અહીં બેઠકોની સંખ્યા પર પણ કોઈ સર્વસંમતિ નથી.'

તેમણે મહાગઠબંધનની સ્થિતિને NDA માટે વોકઓવર સમાન ગણાવી અને કહ્યું કે, 'વિપક્ષની અંદરની આ ફ્રેન્ડલી ફાઈટ ખરેખર NDA માટે વોકઓવર સાબિત થઈ રહી છે.'

આ સમાચાર શેર કરો