મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં સુરતકાંડનો આરોપ, જનસૂરાજના 3 ઉમેદવારોને બળજબરી ફોર્મ ન ભરવા દીધાઃ પ્રશાંત કિશોર

બિહાર વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે BJP પર ગંભીર આર

બિહારમાં સુરતકાંડનો આરોપ, જનસૂરાજના 3 ઉમેદવારોને બળજબરી ફોર્મ ન ભરવા દીધાઃ પ્રશાંત કિશોર

બિહાર વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે BJP પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, બિહારની ચૂંટણીમાં સુરતની ઘટનાનું પુનરાવર્તન થયું છે. ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન તમામ વિપક્ષી ઉમેદવારોને સુરતમાં બેસાડી દીધા હતા તેમ જન સૂરાજ પાર્ટીના ઉમેદવારો પર બિહારની ત્રણ બેઠકો પર ચૂંટણી ન લડવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે દાનાપુર, ગોપાલગંજ અને બ્રહ્મપુરમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય ભાજપ નેતાઓએ જન સૂરજ પાર્ટીના ઉમેદવારો પર ઉમેદવારીપત્રો દાખલ ન કરવા અથવા તેમને પાછા ખેંચવા માટે દબાણ કર્યું હતું.

મંગળવારે પટણામાં એક પત્રકાર પરિષદને સંબોધતા પ્રશાંત કિશોરે ભાજપના ટોચના નેતાઓ પર જન સૂરાજ પાર્ટીના ઉમેદવારોને ખુલ્લેઆમ ધમકી આપવા અને તેમને ઘરે રહેવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે ઉમેર્યું કે દાનાપુરથી જન સૂરાજ પાર્ટીના ઉમેદવાર અખિલેશ કુમાર ઉર્ફે મુતુર સાવનું અપહરણ થયાના અહેવાલો છે. જોકે, તેમનું અપહરણ કરવામાં આવ્યું ન હતું. અમિત શાહ અને ભાજપના નેતાઓએ મુતુર સાવને ધમકી આપીને તેમનું ઉમેદવારીપત્ર ભરવાથી અટકાવ્યા. પીકેએ મીડિયાને ગૃહમંત્રી સાથે મુતુરની મુલાકાતનો ફોટો પણ બતાવ્યો.

પ્રશાંત કિશોરે ભાજપના નેતાઓ પર બક્સર જિલ્લાની બ્રહ્મપુર વિધાનસભા બેઠક પરથી જન સૂરાજના ઉમેદવાર ડૉ. સત્યપ્રકાશ તિવારી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો. પીકેએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય ભાજપ નેતાઓ સાથે તિવારીના ઘરે થયેલી બેઠકના ફોટા બતાવ્યા. સત્યપ્રકાશ તિવારીએ બ્રહ્મપુર બેઠક પરથી પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું. 

સ્થાનિક ભાજપના MLC અને અન્ય નેતાઓએ ગોપાલગંજ વિધાનસભા બેઠક પરથી જન સૂરાજના ઉમેદવાર ડૉ. શશિ શેખર સિંહા પર પણ દબાણ કર્યું હતું. બે દિવસ પહેલા સુધી તેઓ પાર્ટી માટે પ્રચાર કરતા હતા પરંતુ સોમવારે તેમણે પોતાનું નામાંકન પાછું ખેંચી લઈને ફોન પણ બંધ કરી દીધો. થોડા સમય પછી ભાજપે પાર્ટી નેતાઓ સાથેની તેમની મુલાકાતના ફોટા જાહેર કર્યા હતા.
 
 પ્રશાંત કિશોરે જણાવ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતના સુરતમાં જે થયું તે જ બિહાર ચૂંટણીમાં રિપિટ થવા જઈ રહ્યું છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ટોચના નેતાઓ પર લોકતંત્રની બેઈજ્જતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો