'અરુણાચલ ચીનનો હિસ્સો...', શાંઘાઈ એરપોર્ટ પર ભારતીય મહિલાને કરવામાં આવી હેરાન
અરુણાચલ પ્રદેશમાં જન્મેલી અને હાલ યુકેમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમ થોંગડોકે ચીન પર ગંભીર આરોપો લગાવ

અરુણાચલ પ્રદેશમાં જન્મેલી અને હાલ યુકેમાં રહેતી ભારતીય મૂળની મહિલા પ્રેમા વાંગજોમ થોંગડોકે ચીન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીએ દાવો કર્યો કે, શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય ગણવાની ના પાડીને હેરાન કરી હતી. સતત 18 કલાક સુધી તેને અટકાયત જેવી પરિસ્થિતિમાં રાખી હતી.
મૂળ અરુણાચલની અને હાલ યુકેમાં રહેતી પ્રેમા 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી અને શાંઘાઈમાં ત્રણ કલાકનો ટ્રાન્ઝિટ સ્ટોપ હતો. જોકે, ઇમિગ્રેશન કાઉન્ટર પર અધિકારીઓએ તેના પાસપોર્ટને અમાન્ય જાહેર કરીને સ્પષ્ટ કહ્યું કે, "અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. ઘણા અધિકારીઓ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના કર્મચારીઓ તેની હસી મજાક ઉડાવીને એવું પણ પૂછ્યું કે, "તમે ચાઇનીઝ પાસપોર્ટ માટે અરજી કેમ નથી કરતા?"
ટ્રાન્સિટના નામે મહિલાનું ઉત્પીડન
ટ્રાન્સિટનો મુદ્દો લાંબા ઘર્ષણમાં ફેરવાયો. પ્રેમાએ દાવો કર્યો કે, તેણીને યોગ્ય માહિતી, પૂરતો ખોરાક અને મૂળભૂત એરપોર્ટ સુવિધાઓ પણ ન મળવા દીધી. તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો હતો અને તેની પાસે જાપાનના વીઝા હોવા છતાં આગામી ફ્લાઇટમાં જવા દેવાની મંજૂરી ના આપી.
ટ્રાન્ઝિટ એરિયા સુધી મર્યાદિત હોવાને લીધે તેઓ નવી ટિકિટ ખરીદી નહોતા શકતા. ન ખાવાનો સામાન લઈ શક્યા કે ન બીજા ટર્મિનલમાં જઈ શકતા હતા. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે, અધિકારીઓએ તેમના પર ફક્ત ચાઇના ઇસ્ટર્નની જ નવી ટિકિટ ખરીદવા, પર જ તેમનો પાસપોર્ટ પરત આપવાનું દબાણ કર્યું હતું. જેનાથી તેમને મોટું નાણાકીય નુકસાન થયું. ફ્લાઇટ્સ, હોટલ અને બુકિંગ બધું રદ કરી દેવામાં આવ્યું હતું.
ભારતીય અધિકારીઓએ તેમને પાસપોર્ટ અપાવ્યો
છેવટે યુકેમાં એક મિત્રની મદદથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શક્યા. ભારતીય અધિકારીઓ મોડી રાત્રે એરપોર્ટ પર પહોંચી તેમને પાસપોર્ટ જારી કરી જાપાન મોકલી દીધા. તેમણે પીએમ મોદી, વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને વિગતવાર ફરિયાદ મોકલી. આ ઘટનાને "ભારતની સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના લોકોના સન્માનનું સીધું અપમાન" ગણાવ્યું હતું. પ્રેમાએ માંગ કરી છે કે ભારત સરકારે આ મુદ્દો ચીન સમક્ષ ઉઠાવવો જોઈએ. સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ભવિષ્યમાં આવી સમસ્યાઓથી અરુણાચલ પ્રદેશના લોકોને બચાવવા જોઈએ.








