વૈશ્વિક ક્રૂડ સંકટ વચ્ચે ભારતની દરિયાદિલી, માત્ર એક ફોન પર પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણ મોકલાવ્યું
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી સ્થિતિ હતી, પરંતુ ભારતે સમયસર મદદ મોકલીને શ્રીલંકાને મોટી રાહત આપી છે.
ભારતની મોટી મદદ 38,000 મેટ્રિક ટન ઈંધણ રવાના
કોલંબોમાં ભારતીય હાઈ કમિશને શનિવારે (28 માર્ચ, 2026) જણાવ્યું હતું કે ભારતે શ્રીલંકાને કુલ 38,000 મેટ્રિક ટન (MT) પેટ્રોલિયમ પદાર્થોની ડિલિવરી કરી છે. જેમાં 20,000 MT ડીઝલ, 18,000 MT પેટ્રોલનો સમાવેશ થાય છે.
PM મોદી અને રાષ્ટ્રપતિ દિસાનાયકે વચ્ચે વાતચીત
આ મહત્વપૂર્ણ મદદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે 24 માર્ચ, 2026 ના રોજ થયેલી ટેલિફોનિક વાતચીત બાદ મળી છે. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ, વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધ અને ભારત-શ્રીલંકા વચ્ચે ઉર્જા સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
શા માટે સર્જાઈ અછત?
શ્રીલંકાની IOC એ અગાઉ પશ્ચિમ એશિયા અને સિંગાપોરથી ઈંધણ મંગાવવા માટે કોન્ટ્રાક્ટ કર્યા હતા. પરંતુ ત્યાં ચાલી રહેલા યુદ્ધ અને જહાજોની અનુપલબ્ધતાને કારણે સપ્લાયરોએ માલ મોકલવામાં અસમર્થતા દર્શાવી હતી. આ કટોકટીમાં શ્રીલંકાએ ભારત પાસે રેસ્ક્યુ સપ્લાય માટે વિનંતી કરી હતી.
ડિપ્લોમેટિક પ્રયાસો તેજ
ઈંધણ સપ્લાય પહેલા ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરથ વચ્ચે પણ 23 માર્ચે વાતચીત થઈ હતી. ભારત સરકાર લંકા IOC દ્વારા આ પુરવઠો પૂરો પાડી રહી છે. જેથી પડોશી દેશમાં ઈંધણની સાતત્યતા જળવાઈ રહે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારતનું આ પગલું સાબિત કરે છે કે, દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવવા માટે ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે. નેબરહુડ ફર્સ્ટની નીતિ હેઠળ ભારત સતત શ્રીલંકાના પડખે ઉભું રહ્યું છે.







