ભારત-પાકિસ્તાન મેચ ફિક્સ હતી, PAKને 1000 કરોડ મળ્યા; જાણો કોણે કર્યો આ મોટો દાવો
ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાયેલી ક્રિકેટ મેચને લઇને વિવાદ ચાલુ જ છે. આ વ

ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાયેલી ક્રિકેટ મેચને લઇને વિવાદ ચાલુ જ છે. આ વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મોટો દાવો કરતા કહ્યું કે આ મેચ ફિક્સ હતી. આ મેચથી પાકિસ્તાનને 1000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.
શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, 'મેચ રમાવી સરકારની નિર્લજતા છે. દુબઇ,અબુધાબી કે ટ્રમ્પના મેદાન, ક્યાય પણ મેચ રમાઇ હોય. જો ભારત-પાકિસ્તાન મેચ રમાઇ છે તો આ આપણી સેના,શહીદો અને મહિલાઓનું અપમાન છે. મેચ રમવાથી શું સિંદૂર પરત આવી જશે?
દોઢ લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો-સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, "મેચ રમાતા 1000 કરોડ રૂપિયા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળ્યા છે. દોઢ લાખ કરોડ રૂપિયાનો સટ્ટો લાગ્યો, પુરી મેચ ફિક્સ હતી જેમાંથી 50 હજાર કરોડ રૂપિયા પાકિસ્તાનને મળ્યા છે."
સંજય રાઉતે કહ્યું, "IMF અને એશિયન ડેવલપમેન્ટ બેન્કને તમે કહ્યું કે લોન ના આપો, કારણ કે આ પૈસા આતંકવાદી ગતિવિધિમાં ઉપયોગ થશે. કાલે જે ભારતની મદદથી પાકિસ્તાનને પૈસા મળ્યા તેનું શું? અમિત શાહના પુત્ર જય શાહે પૈસા આપ્યા. આ તો આતંકવાદમાં જ પૈસાનો ઉપયોગ થશે. સુનિલ ગાવસ્કરનો હું આભાર માનું છું કે તેમણે કહ્યું કે ભારત સરકારે આ મેચની પરવાનગી આપી."
શિવસેના (UBT)એ આંદોલનની કરી હતી જાહેરાત
મહત્ત્વપૂર્ણ છે કે શિવસેના (UBT) મેચ વિરૂદ્ધ પહેલા જ આંદોલનની જાહેરાત કરી હતી. શિવસેનાએ સિંદૂર રક્ષા આંદોલન ચલાવ્યું હતું. વિપક્ષી પાર્ટીઓનું કહેવું હતું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવી જ ના જોઇએ.
ભારતે એશિયા કપમાં રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન જ બનાવી શકી હતી.ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટે 131 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.








