પાકિસ્તાનમાં ઘુસીને દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત, બ્રિટિશ અખબારનો દાવો- PM મોદી આપે છે ઓર્ડર!
પાકિસ્તાન ભારતના દુશ્મનોને શરણ આપી રહ્યું છે, આ વાત કોઇનાથી સંતાયેલી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં પાડોશી દેશમાં એક એક કરીને ભા

પાકિસ્તાન ભારતના દુશ્મનોને શરણ આપી રહ્યું છે, આ વાત કોઇનાથી સંતાયેલી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં પાડોશી દેશમાં એક એક કરીને ભારતના દુશ્મનોનો ખાત્મો થઇ રહ્યો છે. કોઇ અજાણ્યો વ્યક્તિ કોઇ આતંકી અથવા અલગાવવાદીને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. હવે બ્રિટિશ અખબાર ગાર્જિયને દાવો કર્યો કે પાકિસ્તાનમાં થઇ રહેલી ભારતીય દુશ્મનોની હત્યા પાછળ ભારતની જાસુસી એજન્સી ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (RAW)નો હાથ છે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) પાસે ‘RAW’નો સીધો કંટ્રોલ છે. આ કારણ છે કે ગાર્જિયનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાનમાં હત્યાનો ઓર્ડર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસમાંથી આવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાનના જાસુસી અધિકારીઓના હવાલાથી લખવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં હત્યાઓની ઘટનાઓ વધી છે. અજાણ્યા હુમલાખોરોએ 2020થી અત્યાર સુધી 20 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે.
પુલવામા હુમલા બાદ RAWના એક્શનની રીત બદલાઇ
બે ભારતીય જાસુસી અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું કે રૉએ પુલવામા હુમલા બાદ વિદેશમાં સંતાયેલા દુશ્મનોના ખાત્મા પર ભાર આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ 14 ફેબ્રુઆરી, 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલાને કારણે ભારત-પાકિસ્તાનના સંબંધ એટલા ટકરાવભર્યા થઇ ગયા કે યુદ્ધની સ્થિતિ ઉભી થઇ હતી.
પાકિસ્તાનમાં ઘુસીને મારવાનો બનાવ્યો પ્લાન
એક ભારતીય જાસુસી અધિકારીએ જણાવ્યું, “પુલવામા બાદ દેશની બહાર દુશ્મનોના હુમલા કરવા અથવા કોઇ ગડબડ ઉભી કર્યા પહેલા તેમણે નિશાન બનાવવાનો દૃષ્ટિકોણ ઉભો થયો હતો. આપણે હુમલાને રોકી શકતા નથી કારણ કે તેમનું સુરક્ષિત ઠેકાણુ પાકિસ્તાનમાં હતું, માટે આપણે ખુદ જ તેમના સુધી પહોંચવું પડ્યું.” અધિકારીએ જણાવ્યું કે આ રીતના ઓપરેશનને અંજામ આપવા માટે સરકારની સૌથી ઉચ્ચ સ્તરની મંજૂરી જરૂરી હોય છે.
મોસાદ અને KGBથી લીધી પ્રેરણા
અધિકારીએ જણાવ્યું કે ભારતે ઇઝરાયેલની મોસાદ અને રશિયાની KGB જેવી જાસુસી એજન્સીઓ પાસેથી પ્રેરણા લીધી છે, જે વિદેશોમાં દુશ્મનોને ઠેકાણે પાડવામાં માહેર છે, તેમણે એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં બેઠેલા દુશ્મનોને ખત્મ કરવાનો પ્લાન બનાવતા સમયે રૉના અધિકારીઓએ સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો પણ હવાલો આપ્યો હતો. જમાલ ખશોગીની 2018માં તુર્કીના સાઉદી દૂતાવાસની અંદર હત્યા કરવામાં આવી હતી.








