NTAની હાઈ-પાવર ટાસ્ક ફોર્સમાં 6 સભ્યોનો સમાવેશ, ગુજરાત કેડરના આ IAS અધિકારીની કરાઈ પસંદગી
NEET-UG પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પરીક્ષા વ્યવસ્થામાં મોટા

NEET-UG પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પરીક્ષા વ્યવસ્થામાં મોટા પાયે ફેરફાર કરવા દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. સરકારે NTAમાં સુધારા માટે એક હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ ખાસ કરીને ટેકનોલોજીના ઉપયોગ અને પરીક્ષા પ્રણાલીમાં માળખાકીય સુધારા અંગે સરકારને મહત્વના સૂચનો આપશે. અગાઉ સરકારે NTAના 47 કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી અને હવે પરીક્ષા સિસ્ટમને વધુ સુરક્ષિત તેમજ પારદર્શી બનાવવા આ નિર્ણય લેવાયો છે.
નંદન નિલેકણી : ઈન્ફોસિસના કો-ફાઉન્ડર
ટેકનોલોજી એક્સપર્ટ અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નિલેકણીને આ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. નિલેકણી દેશના મહત્વકાંક્ષી આઈડેન્ટિટી પ્રોજેક્ટને આગળ ધપાવવામાં તેમની સક્રિય ભૂમિકા માટે જાણીતા છે. IIT બોમ્બેથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરનાર નિલેકણીએ 1981 માં એન.આર. નારાયણ મૂર્તિ અને અન્ય સાથીઓ સાથે મળીને ઈન્ફોસિસની સ્થાપના કરી હતી.
એસ. સોમનાથ : ISROના પૂર્વ ચેરમેન
ISROના પૂર્વ ચેરમેન એસ. સોમનાથને પણ આ ટાસ્ક ફોર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. સોમનાથ લાંબા સમયથી ભારતના સ્પેસ પ્રોગ્રામ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે 1985માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી શરૂઆત કરી હતી અને વિવિધ મહત્વપૂર્ણ મિશનમાં યોગદાન આપ્યું હતું. જાન્યુઆરી 2022 માં તેમને ISROના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
તપન ડેકા : ઈન્ટેલિજન્સ અને સુરક્ષા મામલાના નિષ્ણાત
ઈન્ટેલિજન્સ અને સુરક્ષા મામલાના નિષ્ણાત તપન ડેકાને ટાસ્ક ફોર્સમાં સમાવવામાં આવ્યા છે. તેઓ 1988 બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી છે અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) નું નેતૃત્વ કરી ચૂક્યા છે. આતંકવાદ અને સુરક્ષા સંબંધિત વિષયો પર તેમનો વિશાળ અનુભવ NTAની પરીક્ષાઓને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે.
IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટી પણ ટીમનો હિસ્સો
IIT મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટી પણ આ ટીમનો હિસ્સો છે. તેઓ કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર આર્કિટેક્ચર, ઈન્ફોર્મેશન સિક્યોરિટી અને VLSI ડિઝાઈનના એક્સપર્ટ છે. તેમણે IIT મદ્રાસમાંથી જ MS અને PhD કમ્પ્લીટ કર્યું હતું. 2001માં ફેકલ્ટી તરીકે જોડાયા બાદ જાન્યુઆરી 2022થી તેઓ IIT મદ્રાસના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અનીતા કરવાલ, ગુજરાત કેડરના અધિકારી
પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલને પણ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1988 બેચના IAS અધિકારી અનીતા કરવાલ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ગુજરાતમાંથી ગુજરાત કેડરના સિનિયર અધિકારી તરીકે તેમનો આ હાઈ-લેવલ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અમૃત લાલ મીણા, લોજિસ્ટિક્સ નિષ્ણાત
આ સિવાય લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાને પણ આ ટાસ્ક ફોર્સમાં જગ્યા આપવામાં આવી છે. પરીક્ષા સામગ્રીનું સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સુનિશ્ચિત કરવામાં તેમનો અનુભવ મહત્વનો સાબિત થશે.








