NEET પેપર લીક કેસમાં CBIને મોટી સફળતા: માસ્ટરમાઇન્ડ પી.વી. કુલકર્ણીની ધરપકડ, NTAની પરીક્ષા પ્રક્રિયામાં હતો સામેલ

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG 2026 પેપર લીક મામલે CBIને એક મોટી સફળતા મળી છે. CBIએ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ પી.વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પરીક્ષા પ્રક્રિયા સાથે સીધો જોડાયેલો હતો.
NTA કનેક્શન અને સનસનીખેજ ખુલાસો
CBIની તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ લાતુરનો રહેવાસી અને પુણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર તરીકે કામ કરતો પી.વી. કુલકર્ણી NTA તરફથી પરીક્ષાની આંતરિક પ્રક્રિયામાં સામેલ હતો. આ જ કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી થઈ હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો. કુલકર્ણી લાતુરની દયાનંદ કોલેજમાં કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યો છે અને હાલ નિવૃત્ત છે. આ કેસમાં અગાઉ પકડાયેલી આરોપી મનીષા વાઘમરેની પૂછપરછ દરમિયાન કુલકર્ણીનું નામ સામે આવ્યું હતું, ત્યારબાદ લાંબી પૂછપરછના અંતે તેની ધરપકડ કરવામાં આવી છે.
પોતાના જ ઘરે ચલાવતો હતો 'સ્પેશિયલ ક્લાસ'
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમરેની મદદથી વિદ્યાર્થીઓ ભેગા કર્યા હતા. ત્યારબાદ પુણે સ્થિત પોતાના ઘરે જ એક 'સ્પેશિયલ કોચિંગ ક્લાસ' શરૂ કર્યા હતા. આ ક્લાસમાં કુલકર્ણી વિદ્યાર્થીઓને લીક થયેલા પ્રશ્નો, તેના ઓપ્શન્સ અને સાચા જવાબો લખાવતો. અને વિદ્યાર્થીઓ તે નોટબુકમાં લખતા હતા. બાદમાં તપાસમાં ખુલાસો થયો કે આ ક્લાસમાં લખાવેલા પ્રશ્નો 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પેપર સાથે સો ટકા મેચ થતા હતા.
CBIના દેશભરમાં દરોડા
છેલ્લા 24 કલાકમાં CBIએ આ કેસ અંતર્ગત દેશભરમાં અનેક સ્થળોએ આક્રમક દરોડા પાડ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની હાલ ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે, શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે CBIએ 12 મે 2026ના રોજ આ મામલે ગુનો નોંધ્યો હતો. કેસ દાખલ થતાં જ વિશેષ તપાસ ટીમો (SIT)ની રચના કરીને દેશવ્યાપી ઓપરેશન શરૂ કરાયું હતું.
પી.વી. કુલકર્ણી પહેલા આ કેસમાં જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલિયાનગરથી કુલ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. જ્યારે ગુરુવારે પકડાયેલા અન્ય બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે પુણેની કોર્ટમાં રજૂ કરીને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
CBIના જણાવ્યા મુજબ, તપાસમાં હવે કેમિસ્ટ્રી પેપર લીકના અસલી સ્ત્રોત (સોર્સ) અને લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને આ સ્પેશિયલ ક્લાસ સુધી પહોંચાડનારા વચેટિયાઓનો પર્દાફાશ થઈ ગયો છે.

