મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આજે સાંજે 'EXIT Poll' પર તમામની નજર, છેલ્લી લોકસભા-વિધાનસભાના એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે. આ મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલમાં ક્યા પક્ષને કેટલી બેઠક મળી શકે છે

આજે સાંજે 'EXIT Poll' પર તમામની નજર, છેલ્લી લોકસભા-વિધાનસભાના એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ છે. આ મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલમાં ક્યા પક્ષને કેટલી બેઠક મળી શકે છે તે દર્શાવતા એક્ઝિટ પોલ શરૂ થઇ જશે. 2014ની લોકસભામાં ગુજરાતમાંથી ભાજપને 26માંથી 24, 2019માંમ 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું. તેના સ્થાને ભાજપે તમામ 26 બેઠકમાં વિજય મેળવ્યો હતો. આ જ રીતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150થી વધુ બેઠક મળશે તેવું માત્ર એક્ઝિટ પોલમાં અનુમાન કરાયું હતું. આમ,એક્ઝિટ પોલ સામાન્ય રીતે દરિયા કિનારે બેસીને દરિયો કેટલો ઊંડો છે તે ચકાસવાના અનુમાન સમાન જ બની રહે છે.

સૌપ્રથમ વાત 2022ની વિધાનસભા ચૂંટણીની કરવામાં આવે તો એક્સિસ માય ઇન્ડિયામાં 129થી 151, સી વોટરમાં 128થી 140, મેટ્રિઝમાં 112-121, ચાણક્યમાં 150, જન કી બાતમાં 117થી 140, પી માર્કમાં 128થી 148, ઇટીજીમાં 135થી 145 બેઠક ભાજપને મળશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જેના સ્થાને ભાજપને 156, કોંગ્રેસને 17, આપને પાંચ અને અપક્ષને ચાર બેઠક મળી હતી. આ જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 25 બેઠકનું અનુમાન મોટાભાગના એક્ઝિટ પોલમાં કરાયું હતું પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલ સચોટ આકલનમાં નિષ્ફળ રહ્યા હતા.

એક્ઝિટ પોલ સામાન્ય રીતે 80 ટકા સચોટ હોય છે

હવે પ્રશ્ન એ છે કે, ભારતમાં એક્ઝિટ અને ઓપિનિયન પોલ કેટલા સચોટ હોઇ શકે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ 80થી 90 ટકા વચ્ચે સચોટ હોય છે. જોકે, એવું જરૂરી નથી કે આવું જ થતું આવે છે. કેટલાક કિસ્સાઓમાં આ અંદાજા ખોટા પડે છે. આશંકા હોય છે કે મતદારે કોને મત આપ્યો છે તેના વિશે સાચી જ માહિતી આપે. આ સિવાય ઓપિનિયન પોલ પછી, મતદારોને તેમનો અભિપ્રાય બદલવાનો સમય મળે છે અને અંતે તેઓ કોઇ બીજાને મત આપી શકે છે. જોકે, એક્ઝિટ પોલમાં મતદાન બાદ જ માહિતી અન્ય સમક્ષ રહજૂ કરાય છે.

કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલ વાસ્તવમાં એક પ્રકારનો ચૂંટણી સર્વે જ છે. આ મતદાનના દિવસે જ કરવામાં આવે છે. આ માટે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવતા મતદારોને પૂછવામાં આવે છે કે તેઓએ ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે. મળેલ માહિતી પરથી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેના પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો કેવા રહેશે.

ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત ક્યારથી થઇ

સ્વતંત્રતા પછીની બીજી સામાન્ય ચૂંટણી દરમિયાન 1957માં ઇન્ડિયન ઇંસ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવેલો પહેલો સર્વે તેના વડા એરિક ડી'કોસ્ટા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, તે સમયે તેને એક્ઝિટ પોલ ગણવામાં આવ્યો નહતો. ત્યારબાદ વર્ષ 1980 અને 1984માં ડૉ. પ્રણવ રોયના નેતૃત્વમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટડર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ દ્વારા ભારતમાં 1996માં એક્ઝિટ પોલની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પત્રકાર નલિની સિંહે દૂરદર્શન માટે એક્ઝિટ પોલ કરાવ્યો હતો. જેના માટે ભજીઘજીએ એ ડેટા એકત્ર કર્યો હતો. આ પોલમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ લોકસભા ચૂંટણી જીતશે અને ખરેખર એવું જ થયું. જોકે, તેની અસર ચૂંટણી પરિણામો પર પણ પડી હતી. આ પછી દેશમાં એક્ઝિટ પોલનો ટ્રેન્ડ વધ્યો અને વર્ષ 1998માં એક ખાનગી ન્યૂઝ ચેનલે પ્રથમ વખત એક્ઝિટ પોલનું પ્રસારણ કર્યું હતું.

2004થી નિયમમાં ફેરફાર

2004ની લોકસભા ચૂંટણીમાં પંચે કાયદા મંત્રાલયની મદદથી, લોકોના પ્રતિનિધિત્વ કાયદાની કલમ 126 (છ)માં સુધારો કર્યો હતો. જેના કારણે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થાય તે પહેલા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સુધારાનો હેતુ એ હતો કે ચૂંટણીને કોઇ પણ રીતે પ્રભાવિત કરી શકાય નહીં.

આ સમાચાર શેર કરો