હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ચંપાઇ સોરેનને મળશે નવી જવાબદારી
હેમંત સોરેન ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ

હેમંત સોરેન ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે. ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને RJDની ધારાસભ્ય દળની બેઠકમાં હેમંત સોરેનને ફરી એક વખત નેતા ચૂંટવામાં આવ્યા છે. કથિત જમીન કૌભાંડમાં હેમંત સોરેનની ધરપકડ બાદ મુખ્યમંત્રી બનેલા ચંપાઇ સોરેન રાજીનામું આપશે. ચંપાઇ સોરેનને ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ઝારખંડ ગઠબંધનના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને રાજભવન જવા માટે 7 વાગે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
હેમંત સોરેનને જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં હાઇકોર્ટે જામીન આપ્યા બાદ 28 જૂને જેલમાંથી બહાર આવ્યા હતા. હેમંત સોરેને ધરપકડ બાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તે બાદ તેમના નજીકના સહયોગી અને મંત્રી ચંપાઇ સોરેન રાજ્યની કમાન સોપવામાં આવી હતી. ચંપાઇ સોરેને 2 ફેબ્રુઆરી 2024માં રાજ્યના 12માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
રાજ્યમાં નેતૃત્ત્વ પરિવર્તન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કેટલાક મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધને સારૂ પ્રદર્શન કર્યું છે. જેલમાંથી મુક્ત થયા બાદ હેમંત સોરેન ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે અને માનવામાં આવી રહ્યું છે કે 'વિક્ટિમ કાર્ડ' રમતા તે આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પ્રયાસ કરશે.






