વૈશ્વિક તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની રોયલ્ટીમાં કર્યો ફેરફાર
વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ અને ઉર્જા પુરવઠા અંગેની વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્

વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ અને ઉર્જા પુરવઠા અંગેની વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્રમાં મોટો નીતિગત ફેરફાર કર્યો છે. સરકારે ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ અને કેસીંગ હેડ કન્ડેન્સેટ માટે રોયલ્ટી દરો અને તેની ગણતરીની પ્રક્રિયાને તર્કસંગત બનાવવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ પગલું ભારતના અપસ્ટ્રીમ સેક્ટર માટે નવા યુગની શરૂઆત કરશે. તેમના મતે, આનાથી લાંબા સમયથી ચાલી આવતી નીતિગત વિસંગતતાઓ દૂર થશે અને તેલ તથા ગેસ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન મળશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ORD એક્ટ અને PNG નિયમોમાં 2025માં કરવામાં આવેલા સુધારાઓ બાદ હવે રોયલ્ટી વ્યવસ્થાને પણ વધુ સરળ, પારદર્શક અને એકરૂપ બનાવવામાં આવી છે. આનાથી અલગ-અલગ કરારો અને નીતિઓમાં રહેલો તફાવત ખતમ થશે અને કંપનીઓને સ્પષ્ટ નિયમો હેઠળ કામ કરવામાં સરળતા રહેશે. સરકારનું કહેવું છે કે નવી વ્યવસ્થા રોકાણકારોને સ્થિર અને અનુમાનિત બિઝનેસ વાતાવરણ પૂરું પાડશે. આનાથી સ્થાનિક અને વિદેશી કંપનીઓનો ભરોસો વધશે અને ભારતમાં તેલ તથા ગેસની શોધ અને ઉત્પાદનમાં રોકાણ ઝડપી બની શકે છે.
સરળ શબ્દોમાં સમજીએ તો, હવે તેલ અને ગેસ કાઢતી કંપનીઓએ સરકારને કેટલી ચૂકવણી કરવી પડશે અને તેની ગણતરી કેવી રીતે થશે, તેના નિયમો પહેલાની સરખામણીમાં વધુ સ્પષ્ટ અને સરળ હશે. આનાથી કંપનીઓ માટે નીતિ વિષયક અનિશ્ચિતતા ઘટશે. કેન્દ્રીય મંત્રીએ તેને ભારતના ઉર્જા ક્ષેત્રને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જટિલ નિયમોને બદલે એક સમાન અને સ્પર્ધાત્મક વ્યવસ્થા લાગુ કરવા માંગે છે, જે વૈશ્વિક ધોરણોને અનુરૂપ હોય.
પીએમની અપીલ બાદ આવ્યો નિર્ણય
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા વધી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને ઉર્જા-કાર્યક્ષમ આદતો અપનાવવાની અપીલ કરી છે.
વડાપ્રધાને જાહેર પરિવહન, સ્વચ્છ ઉર્જા અને જરૂર પડે ત્યારે વર્ક ફ્રોમ હોમ તથા વર્ચ્યુઅલ મીટિંગ્સ જેવા ઉપાયો અપનાવવાની સલાહ આપી છે, જેથી પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડી શકાય. સરકારનું માનવું છે કે નવી રોયલ્ટી વ્યવસ્થા સ્થાનિક ઉત્પાદન વધારવામાં અને દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.







