હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે આપી દીધી આ મંજૂરી
કેન્દ્ર સરકારે ગેસ બુકિંગ માટેની અફડાતફડી ઓછી થતા એક મહત્વપૂ

કેન્દ્ર સરકારે ગેસ બુકિંગ માટેની અફડાતફડી ઓછી થતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટી રાહત મળશે. સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કોમર્શિયલ એલપીજીના ક્વોટામાં 20 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવા નિર્ણય સાથે હવે કુલ ફાળવણી વધીને 50 ટકા થઈ જશે જેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ હેઠળ પીએનજી વિસ્તરણ માટે અગાઉ આપવામાં આવેલી 10 ટકા વધારાની ફાળવણીનો પણ સમાવેશ થાય છે.
રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઈન્ડસ્ટ્રિયલ કેન્ટીનને રાહત
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વધારાનો 20 ટકા ક્વોટા ચોક્કસ ક્ષેત્રોને પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે. આ યાદીમાં રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઈન્ડસ્ટ્રિયલ કેન્ટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, ડેરી ઉદ્યોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી રાહત દરની કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને પરપ્રાંતિય મજૂરો માટેના પાંચ કિલોના એફટીએલ સિલિન્ડરને પણ આમાં આવરી લેવાયા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને પણ આ ફાળવણીમાં વિશેષ અગ્રતા આપવામાં આવી છે.
દેશમાં ગેસ અછતનો ડર ઘટ્યો, પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક: મંત્રાલય
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, તણાવને કારણે એલપીજી સપ્લાય હજુ પણ ચિંતાનો વિષય છે પરંતુ સ્થાનિક રિફાઈનરીઓમાં ઉત્પાદન વધતા સ્થિતિ સુધરી રહી છે. લોકોમાં ગેસ અછતનો જે ડર હતો તે હવે ઓછો થયો છે અને મોટાભાગની ડિલિવરી ‘ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ’ દ્વારા સુરક્ષિત રીતે કરવામાં આવી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને કોઈ પણ રિટેલ આઉટલેટ પર ઇંધણની અછતની ઘટના સામે આવી નથી. તમામ રિફાઇનરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને તેમની પાસે કાચા તેલનો પર્યાપ્ત ભંડાર છે. અત્યાર સુધીમાં 20 જેટલા રાજ્યોએ કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ નોન-ડોમેસ્ટિક એલપીજી ફાળવવાના આદેશો જારી કરી દીધા છે.








