મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે

પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો કેવી છે તબિયત

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આજે ડિસ્ચાર્જ કરાયા છે. આ પહેલા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, અડવાણીની સ્થિતિ સ્થિર છે અને તજજ્ઞોની ટીમ તેમની સારવાર કરી રહી છે. 96 વર્ષિય પૂર્વ નાયબ વડાપ્રધાનને બુધવારે રાત્રે લગભગ 10.30 કલાકે એમ્સના જૂના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અડવાણીને ઉંમર સંબંધિત સમસ્યાઓ

ઉલ્લેખનીય છે કે, અડવાણી ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે ડૉક્ટરો તેમના ઘરે જ તેમની તપાસ કરે છે, જોકે બુધવારે પેશાબમાં સંક્રમણની ફરિયાદ કર્યા બાદ તેમના હોસ્પિટલ લવાયા હતા. એક સૂત્રએ જણાવ્યું કે, અડવાણની હાલત સ્થિર છે. યૂરોલૉજી, કાર્ડિયોલૉજી અને જેરિએટ્રિક મેડિસિન સહિત જુદાં જુદાં તબીબોની ટીમ તેની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

અડવાણીએ ભાજપને આપ્યું જીવતદાન

ગાંધીનગર બેઠક પરથી છ વખત વિજેતા રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણી 96 વર્ષના થઇ ગયા છે. તેમના રાજકીય ઈતિહાસ (Lal Krishna Advani Political Career)ની વાત કરીએ તો, 1984માં બે બેઠકો પર સમેટાઇ ગયેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને જીવતદાન આપવાનું કામ અડવાણીએ વાજપેયી સાથે મળીને કર્યું હતું. અડવાણીએ જ વાજપેયી સાથે મળીને ભાજપને ભારતીય રાજનીતિના કેન્દ્રમાં પહોંચાડી અને એ પછી ૧૯૯૮માં પહેલી વખત સત્તાનો સ્વાદ ચખાડયો.

અડવાણીએ ગાંધીનગર બેઠક પરથી સતત છ વખત વિજય મેળવ્યો

આજે ભાજપ જે મજબૂતાઇથી ઊભો છે એની પાછળ અડવાણીનો સિંહફાળો છે. અડવાણીએ જ 1992માં અયોધ્યા રથયાત્રા કાઢીને રાજનીતિમાં ભાજપની ધાર તેજ કરી હતી. સંસદીય રાજનીતિમાં અડવાણી છેક 1991માં ગાંધીનગરની બેઠક પરથી પહેલી વખત ચૂંટણી જીત્યાં હતાં. એ પછી 1998, 1999, 2004, 2009 અને 2014 એમ કુલ છ વખત તેમને સંસદ સુધી પહોંચાડવામાં ગાંધીનગરની બેઠક ભાગ્યશાળી નીવડી હતી. જોકે બાબરી કેસના કારણે 1996માં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં નહોતાં. 

અડવાણીએ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર ઐતિહાસિક રથયાત્રા શરૂ કરી

આજની પેઢીને કદાચ એ ખ્યાલ પણ નહીં હોય કે એક જમાનામાં અડવાણીની ભારતીય રાજકારણમાં કેટલી બોલબાલા હતી. અડવાણીએ જ્યારે રથયાત્રાની શરૂઆત કરી ત્યારે તેઓ માત્ર હિન્દુત્ત્વ જ નહીં, ભાજપનો પ્રચાર પણ કરી રહ્યાં હતાં. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ધર્મના નામે આવી રાજકીય રેલી પહેલાં કદી નીકળી નહોતી. પરિણામ એ આવ્યું કે થોડાં જ વર્ષોમાં ભાજપની સંસદમાં બેઠકોનો આંકડો બેથી 182એ પહોંચી ગયો. એ સાથે જ ભાજપ પોતાના ગઢ ઉત્તર ભારતમાંથી બીજા પ્રદેશોમાં પણ ફેલાવા લાગ્યો હતો.

આ સમાચાર શેર કરો