'પહેલા BSFનો અધિકાર ક્ષેત્ર ઘટાડો, પછી જમીન આપીશું'; મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે તેમની સરકારને સરહદ પર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે તેમની સરકારને સરહદ પર વાડ માટે જમીન ફાળવવામાં કોઈ વાંધો નથી, પરંતુ કેન્દ્ર સરકારે પહેલા રાજ્યમાં સરહદ સુરક્ષા દળ (BSF) ના અધિકારક્ષેત્રને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરવાના "મનસ્વી" નિર્ણયને રદ કરવો જોઈએ. રાજ્યપાલના અભિભાષણ પર વિધાનસભાની ચર્ચા દરમિયાન બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના આરોપોને ફગાવી દીધા કે રાજ્ય સરકાર સરહદ પર વાડ બનાવવામાં અવરોધ લાવી રહી છે. સાથે કહ્યું કે, BSF સહિત તમામ કેન્દ્રીય એજન્સીઓને જમીન પહેલાથી જ ફાળવવામાં આવી છે.
વાડ કરવામાં વિલંબને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે શબ્દયુદ્ધ
રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, જમીનની કોઈ સમસ્યા નહીં હોય. તમને જમીન મળશે, પરંતુ પહેલા BSFના અધિકારક્ષેત્રને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરવાના મનસ્વી નિયમને બદલો.વાડ બનાવવામાં "વિલંબ", ગેરકાયદેસર સ્થળાંતર અને બાંગ્લાદેશ સાથે બંગાળની લાંબી, ખુલ્લી સરહદના સંચાલન અંગે કેન્દ્ર સરકાર અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વાક્યયુદ્ધ વચ્ચે મમતા બેનર્જીએ ટીપ્પણી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સીધો પ્રહાર કરતા કહ્યું, "તેઓ આ અંગે પૂરો આંકડો નથી આપતા કે રાજ્યે કેટલી જમીન ફાળવી છે.
મુખ્યમંત્રીનો આરોપ: કેન્દ્ર સરકાર ઘૂસણખોરી સિવાય બીજું કંઈ જોતી નથી
મમતાએ કહ્યું કે, રેલ્વેથી લઈને સંરક્ષણ સંસ્થાઓ સુધી તમામ કેન્દ્રીય એજન્સીઓને જમીન ફાળવવામાં આવી છે. ભાજપ દ્વારા ઘૂસણખોરીનો વારંવાર ઉલ્લેખની આલોચના કરતા મુખ્યમંત્રીએ તેના "માત્ર સુરક્ષા સુધી મર્યાદિત અભિગમ" મુદ્દે સવાલ ઉઠાવ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ માત્ર એક શબ્દ સમજે છે - ઘૂસણખોરી. શું યુવાઓ અને નવા મતદાતાઓની નોધણી નહીં થાય?
તેણીએ દલીલ કરી હતી કે, સરહદી વિસ્તારોમાં વધુ પડતી સુરક્ષા લોકશાહી પ્રક્રિયાઓ અને સામાન્ય લોકોના જીવનમાં વિક્ષેપ પાડી શકે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ઘૂસણખોરી બંગાળમાં વસ્તી વિષયક પરિવર્તન લાવી રહી છે અને દાવો કર્યો કે કેન્દ્ર સરકારે વારંવાર વાડ માટે જમીનની વિનંતી કરી હતી, પરંતુ તે પૂરી પાડવામાં આવી નથી. મમતા બેનર્જીએ આરોપને નકારી કાઢતા કહ્યું કે, તેમણે "ઘણા ગૃહમંત્રીઓ" જોયા છે અને તેમને શાસનનો પાઠ શીખવાડવાની જરૂર નથી.






