ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા પેશન્ટ ઉપર બળાત્કાર, ડ્રાઈવર અને ટેકનિશિયને કર્યું કૃત્ય
બિહારના ગયા જિલ્લામાં હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન બેભાન થયેલી મહિલા સાથે હેવાનિયત થઈ છે. હોમગાર્ડ ભરતી દોડ દરમિયાન

બિહારના ગયા જિલ્લામાં હોમગાર્ડની ભરતી દોડ દરમિયાન બેભાન થયેલી મહિલા સાથે હેવાનિયત થઈ છે. હોમગાર્ડ ભરતી દોડ દરમિયાન એક મહિલા બેભાન થતા તેને ઉતાવળમાં હોસ્પિટલ મોકલવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પરંતુ આ દરમિયાન રસ્તામાં જ એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને ટેકનિશિયને મહિલા પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટના સામે આવતા જ હોબાળો મચ્યો છે. પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને ટેકનિશિયનની ધરપકડ કરી છે.
બિહારના બોધગયા વિસ્તારમાં ગુરવારે આ ઘટના બની હતી. બોધગયા વિસ્તારના BMP 3 પરેડ ગ્રાઉન્ડમાં હોમગાર્ડ ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. જેની પરીક્ષા આપવા આવેલ મહિલા કેન્ડિડેટ રેસ દરમિયાન બેભાન થઈને પડી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક સ્થળ પર તૈનાત એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
શુક્રવારે SSP આનંદ કુમારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે, પીડિતાએ ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ 2 કલાકની અંદર એમ્બ્યુલન્સ ડ્રાઈવર વિનય કુમાર અને ટેકનિશિયન અજિત કુમારની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ ડોક્ટરોને જણાવ્યું કે, હોસ્પિટલ લઈ જવા દરમિયાન ચાલુ એમ્બ્યુલન્સમાં જ બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
ઘટનાને ગંભીરતાથી લેતા બોધગયાના એસડીપીઓ સૌરભ જયસ્વાલના નેતૃત્વમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમે દરોડો પાડીને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલ ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
ઘટનાસ્થળે લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. આ મામલે બોધગયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એસએસપી આનંદ કુમારે જણાવ્યું હતું કે કેસની તપાસ કરીને શક્ય તેટલી વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.








