Surendranagar news: મહિલાએ યુવકને બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી, ભાંડો ફૂટતા થઇ ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક મહિલાએ યુવકને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં એક મહિલાએ યુવકને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમસંબંધમાં ફસાવ્યા બાદ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરી હતી. જો કે પોલીસને આ કેસની તપાસ દરમ્યાન હનીટ્રેપનો મામલો લાગતા આ મહિલાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
ધ્રાંગધ્રામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. આ કેસની વિગતવાર ચર્ચા કરીએ તો આજથી 4 વર્ષ પહેલા કોર્ટમાં મહિલાનો સાગરીત આરોપી પરેશ રબારી અને ફરીયાદી અજયભાઇનો કેસ ચાલતો હતો. આ કેસમા આરોપી પરેશ રબારીને સજા થવાની શક્યતા સાથે કેસ પતવાને આરે હતો. પણ પરેશ આ કેસ પરત ખેંચવા અજયને દબાણ કરતો હતો. જેથી અજયને બ્લેકમેલ કરવા ધ્રાંગધ્રાની અંજના નામની મહિલા ફરીયાદી સાથે ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમા આવી હતી.
મહિલાએ ફિનાઇલ પીને મરવાનો ઢોંગ કર્યો હતો
મહિલાએ યુવકને ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમસંબંધમાં ફસાવી અને ત્યારબાદ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. અંજનાએ પોલીસ સ્ટેશન જઇને બળાત્કારની ફરીયાદ દાખલ કરવા ધમપછાડા કર્યા હતા અને ફિનાઇલ પીને મરવાનો ઢોંગ કર્યો હતો. જે બાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.બી. વિરજાને હનીટ્રેપની ગંધ આવતા આ મહિલા સામે તપાસ શરુ કરી હતી.
પોલીસની સતર્કતાને કારણે અને 3 દિવસની તપાસમા બળાત્કારની ફરીયાદ કરતી મહીલા હનીટ્રેપ માસ્ટર માઇન્ડ નીકળી હતી. આ મહિલાએ અત્યાર સુધીમા અનેક લોકો સાથે લગ્ન કરીને પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાની ધરપકડ કરી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






