પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે વિવાદ, ગુસ્સે થયેલી ભીડે EVM તળાવમાં ફેક્યું
લોકસભા ચૂંટણી 2024માં અંતિમ તબક્કા માટે સાત રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 57 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું

લોકસભા ચૂંટણી 2024માં અંતિમ તબક્કા માટે સાત રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 57 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન વિવાદ થયો છે. બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ગુસ્સે થયેલી ભીડે EVM અને VVPAT તળાવમાં ફેકી દીધુ હતું.
બંગાળમાં EVM અને VVPAT તળાવમાં ફેકવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઇમાં બૂથ સંખ્યા 40, 41 પર ભીડ દ્વારા EVM અને VVPAT મશીનને તળાવમાં ફેકવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર મતદારોને TMC સમર્થકોએ ધમકી આપી હતી જેને કારણે ભીડ ગુસ્સે થઇ હતી અને EVMને ઉપાડીને તળાવમાં ફેકી દીધુ હતુ.
આજે જે બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે તેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 બેઠક, પશ્ચિમ બંગાળની 9 બેઠક, બિહારની 8 બેઠક, ઓરિસ્સાની 6 બેઠક, હિમાચલ પ્રદેશની 4 બેઠક, ઝારખંડની 3 બેઠક અને એક ચંદીગઢની બેઠક સામેલ છે.
આ તબકકામાં કેટલાક મોટા દિગ્ગજોનું નસીબ દાંવ પર છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની દીકરી મીસા ભારતી પાટલિપુત્રથી, એક્ટ્રેસ કંગના રનૌત મંડી બેઠક પરથી મેદાનમાં છે.








