દિલ્હી-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખાડા પડતા એન્જિનિયર સસ્પેન્ડ, ઠેકેદારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો
દિલ્હી-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવનારા એન્જિનિયરને NHAIએ સસ્પેન્ડ કર્યો છે. આ સાથે જ ઠે

દિલ્હી-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવનારા એન્જિનિયરને NHAIએ સસ્પેન્ડ કર્યો છે. આ સાથે જ ઠેકેદારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ-વેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં રસ્તામાં ખાડાને કારણે એક કાર હવામાં ઉછળતી જોવા મળી હતી.
NHAIએ જણાવ્યું કે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના આદેશ અનુસાર તપાસ કરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ/એજન્સી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
NHAIએ કહ્યું કે સમય રહેતા ખામી દૂર ના કરવા મામલે ઠેકેદારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ નિર્માણ કાર્યની બરાબર દેખરેખ અને કામમાં બેદરકારીને કારણે ઓથોરિટી એન્જિનિયરના ટીમ-લીડર-કમ રેજિડેન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સિવાય સંબંધિત સાઇટ એન્જિનિયરને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે.
દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પર વાયરલ થયેલા વીડિયો બાદ એક્શન લેવામાં આવ્યું છે. આ ઘટના અલવર વિસ્તારની હોવાનું કહેવામાં આવે છે જેમાં પુર ઝડપે ગાડી અચાનક રોડની બેલેન્સિંગ ખરાબ હોવાને કારણે પાછળથી હવામાં ઉછળી હતી.
NHAIના અધિકારીઓએ શું કહ્યું?
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેના સોહના વિસ્તારના પીડી પીકે કૌશિકે જણાવ્યું કે વરસાદને કારણે ખાડા પડી ગયા છે. જેવી જ ખાડા પડવાની જાણકારી મળે છે તરત જ તેને પુરવામાં આવે છે. અલવર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાડાને પુરવાનું કામ ચાલી રહ્યું છે.








