ચૂંટણી ખર્ચ પહોંચ્યો આસમાને, જાણો પહેલી ચૂંટણીમાં થયો હતો કેટલો ખર્ચ
Lok Sabha Elections 2024: સમયની સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છ

Lok Sabha Elections 2024: સમયની સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે, જેની અસર ચૂંટણીમાં પણ પડે છે. દરેક ચૂંટણીમાં પક્ષ અને ઉમેદવારો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ખર્ચ કરી શકે નહીં. ચૂંટણી બાદ ઉમેદવારે તેના ખર્ચની વિગતો પણ ચૂંટણી પંચને બતાવવી પડે છે. ઉમેદવારો દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો વ્યક્તિદીઠ થયેલા કુલ ખર્ચને દર્શાવે છે. ત્યારે આજે એ જાણીએ કે, ચૂંટણીમાં વ્યક્તિદીઠ કેટલો ખર્ચ થાય છે...
ચૂંટણી ખર્ચમાં કેટલો વધારો થયો?
અહેવાલ અનુસાર, જ્યારે દેશમાં પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ચૂંટણીમાં વ્યક્તિદીઠ ખર્ચ 0.67 પૈસા હતો. વર્ષ 2019માં આ ખર્ચ વધીને 31.52 રૂપિયા પહોંચી ગયો હતો. વર્ષ 1952માં યોજાયેલી લોકસભા ચૂંટણી પછી કેટલીક ચૂંટણીઓ માટે ખર્ચની મર્યાદામાં વધારો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વર્ષ 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીથી 2019 સુધીનો વધારો ચોંકાવનારો રહ્યો છે.
વર્ષ 2004 સુધી ચૂંટણી ખર્તમાં સામાન્ય વધારો રહ્યો
વર્ષ 1952માં યોજાયેલી પહેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોએ કુલ 51.12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એટલે કે, વ્યક્તિદીઠ ખર્ચમાં 0.67 પૈસા રહ્યો હતો. વર્ષ 1957માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વ્યક્તિદીઠ ખર્ચની રકમ ઘટની 0.59 પૈસા થઈ ગઈ હતી. વર્ષ 1962માં ચૂંટણીમાં યોજાયેલી ચૂંટણીમાં 0.46 પૈસાનો ખર્ચ થયો હતો. ત્યારબાદ ચૂંટણીઓમાં થોડો વધારો થયો હતો. વર્ષ 1971ની લોકસભા ચૂંટણીમાં વ્યક્તિદીઠ 0.59 પૈસાનો ખર્ચ થયો હતો. પછી ચૂંટણી ખર્ચ સતત વધતો ગયો હતો. વર્ષ 2004 સુધીમાં આ ખર્ચ વધીને 7.21 રૂપિયા વ્યક્તિદીઠ પહોંચી ગયો હતો.
છેલ્લી ત્રણ ચૂંટણીમાં ચૂંટણી ખર્ચમાં મોટો વધારો થયો
છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણી એટલે કે 2009, 2014 અને 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં ચૂંટણી ખર્ચમાં ચોંકાવનારો વધારો થયો છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કુલ 6394.73 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એટલે કે વ્યક્તિદીઠ ખર્ચ 17.26 રૂપિયા હતો. વર્ષ 2014માં કુલ 15783.00 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, વ્યક્તિદીઠ ખર્ચ 32.24 રૂપિયા રહ્યો હતો. વર્ષ 2019ની ચૂંટણીમાં પણ 15429 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો,જેમાં વ્યક્તિદીઠ ખર્ચ 31.52 રૂપિયા રહ્યો હતો.
ચૂંટણી ખર્ચ નક્કી કરેલી મર્યાદા કરતા વધુ હોય છે!
આ ચૂંટણી ખર્ચ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ ખર્ચની વિગતો મુજબ જ છે. જ્યારથી ચૂંટણી પંચે ખર્ચની મર્યાદા નક્કી છે. ત્યારે ઉમેદવારો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં જ્યારે ખર્ચની વિગતો ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં આવે છે ત્યારે તે નક્કી કરેલી મર્યાદા કરતાં ઓછી હોવાનું દર્શાવે છે. જેમ કે, વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે, ઉમેદવાર 40 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકે નહીં, જ્યારે બધા જાણે છે કે ચૂંટણી રૂ. 40 લાખમાં નથી લડાતી. ઘણા ઉમેદવારો ચૂંટણીમાં 8થી 10 કરોડ રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ જ્યારે ખર્ચનો હિસાબ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે તે નક્કી કરેલી મર્યાદામાં હોવાનું કહેવાય છે.
ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચમાં વધાર્યો કર્યો
મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ તરફથી ચૂંટણીના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 1952માં પહેલી લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે 25 હજાર રૂપિયાનો ચૂંટણી ખર્ચ નક્કી કર્યો હતો. વર્ષ 1971ની ચૂંટણીમાં વધારો કરીને 35 હજાર રૂપિયા અને 1980માં એક લાખ રૂપિયાનો વધારો કર્યો હતો. વર્ષ 1983મા ખર્ચની મર્યાદા વધારીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. જે વર્ષ 1996 વધારીને 4.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. વર્ષ 1998ની લોકસભા ચૂંટણીમાં ખર્ચની મર્યાદા વધારીને રૂ. 15 લાખ, વર્ષ 2004માં રૂ. 25 લાખ અને 2014માં રૂ. 70 લાખ કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે યોજાવનારી લોકસભા ચૂંટણીમાં રૂ. 95 લાખ રૂપિયા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે.
આ ખર્ચ ક્યાં કરવામાં આવે છે?
ચૂંટણી પંચ દ્વાર નક્કી કરલો ચૂંટણી ખર્ચ ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં કરી શકે છે. જેમાં જાહેર સભાઓ, રેલીઓ, જાહેરાતો, પોસ્ટરો-બેનરો અને વાહનો પાછળનો ખર્ચ સામેલ છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પૂર્ણ થયાના 30 દિવસમાં ચૂંટણી પંચને ખર્ચની વિગતો રજૂ કરવાની હોય છે.
રાજકીય પક્ષો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા
રાજકીય પક્ષો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નક્કી કરવામાં નથી આવતી, પરંતુ લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે રૂ.95 લાખ નક્કી કર્યાં છે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. કેટલાક નાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાના ઉમેદવાર માટે 75 લાખ રૂપિયા અને વિધાનસભાના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 28 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.








