મમતાની વધી મુશ્કેલી! કોલકાતાની વધુ એક હોસ્પિટલના ડૉક્ટરોએ આપી સામૂહિક રાજીનામાની ચીમકી
પશ્ચિમ બંગાળમાં કલ્યાણી JNM હોસ્પિટલના 77 વરિષ્ઠ ડોકટરોએ આરજી કર હોસ્પિટલમાં

પશ્ચિમ બંગાળમાં કલ્યાણી JNM હોસ્પિટલના 77 વરિષ્ઠ ડોકટરોએ આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર-હત્યાની પીડિતા ડોક્ટર માટે ન્યાયની માંગ માટે સામૂહિક રાજીનામાની ધમકી આપી છે. આ ઉપરાંત આ ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ પર બેસેલા જુનિયર ડોક્ટરો પ્રત્યે એકતા દર્શાવી છે.
JNMના કુલ 77 ડોક્ટરોએ સોમવારથી કામ બંધ કરવાના પોતાના નિર્ણય અંગે પશ્ચિમ બંગાળ હેલ્થ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ઇમેલથી જાણ કરી છે. તેમણે આ નિર્ણય પાછળ માનસિક અશાંતિ અને વર્તમાન સ્થિતિમાં કામ કરવામાં અસમર્થતાનું કારણ આપ્યું છે.
તેમણે ડોક્ટરોની સમસ્યાઓના ઉકેલ માટે રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ પ્રયાસ ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોના અનેક ડોક્ટરોએ છેલ્લા કેટલાક દિવસોમાં આ મુદ્દાઓ માટે પશ્ચિમ બંગાળ સરકારને સામૂહિક રાજીનામાના પત્ર સુપ્રત કર્યા છે. પશ્ચિમ બંગાળના ડોક્ટરોના આમરણાંત ઉપવાસ આજે નવમા દિવસમાં પ્રવેશ્યા હતાં. બીજી તરફ ઉપવાસ કરી રહેલા આ ડોક્ટરોને સમર્થન આપવા માટે રાજ્યમાં વિવિધ સ્થળે લોકોએ પ્રતિકાત્મક ઉપવાસ કરી રહ્યાં છે.
આમરણાંત ઉપવાસ કરી રહેલા ડોક્ટરો પૈકી અત્યાર સુધી ત્રણની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત એસએસકેએમ હોસ્પિટલના ટ્રોમા કેર ડિપાર્ટમેન્ટમાં ટોળાએ પ્રવેશ કરી એક યુવાનને માર્યો હતો જેમાં તેને ઇજા થઇ હતી. આ ઘટના પછી ડોક્ટરોએ હોસ્પિટલોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- બંગાળ ભાજપે જુનિયર ડોક્ટરોના દેખાવોને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો
કોલકાતા: ભાજપના પશ્ચિમ બંગાળ એકમે એક નિવેદન જારી કરી રાજ્યના જુનિયર ડોક્ટરોના ચાલી રહેલા દેખાવોને સમર્થન આપવાની જાહેરાત કરી હતી અને પક્ષના કાર્યકરોને આ દેખાવોમાં સામેલ થવાની અપીલ કરી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સુકાંત મજમૂદારે દેખાવો કરી રહેલા ડોક્ટરોને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપીને આરોપ મૂક્યો હતો કે પશ્ચિમ બંગાળ સરકાર 16 સપ્ટેમ્બરે હોસ્પિટલોની સુરક્ષા મુદ્દે મુખ્યપ્રધાન મમતા બેનર્જીની હાજરીમાં થયેલ બેઠકમાં સાધવામાં આવેલી સંમતિથી પાછળ ખસી રહી છે.
- આજથી સમગ્ર દેશની હોસ્પિટલોમાં વૈકલ્પિક સેવાઓ બંધ : એફએઆઇએમએ
સમગ્ર ભારતમાં રેસિડન્ટ ડોક્ટર્સ એસોેસિએશન (આરડીએ)નું પ્રતિનિધિત્ત્વ કરતા ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (એફએઆઇએમએ)એ પશ્ચિમ બંગાળના ડોક્ટરોના દેખાવોને ટેકો આપવા માટે આવતીકાલથી સમગ્ર દેશની હોસ્પિટલોમાં વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. શનિવારે એફએઆઇએમએની યોજાયેલી બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે સંગઠનોએ રેસિડન્ટ ડોક્ટરોને ઇમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એફએઆઇએમએએ વધુમાં જણાવ્યું છે કે તે પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોની સાથે છે.








