આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, કેજરીવાલે મુક્યો પ્રસ્તાવ
આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વિધાયક દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મુક્યો

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી બનશે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વિધાયક દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેના પર ધારાસભ્યોએ સંમત્તિ આપી હતી.
આ પહેલા આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. PACની બેઠક 16 સપ્ટેમ્બરે મળી હતી. તે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ વીકે સક્સેનાને મળશે અને રાજીનામું આપશે.
દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે જણાવ્યું, "આજે દિલ્હીની AAP ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં દિલ્હીમાં આગામી ચૂંટણી સુધી મુખ્યમંત્રીની જવાબદારી સર્વસમ્મતિથી આતિશીને સોપવામાં આવી છે."
આતિશી કેજરીવાલ સરકારમાં તાકાતવર મંત્રી
કેજરીવાલના જેલમાં ગયા બાદ સરકારના સૌથી તાકાતવર મંત્રીના રૂપમાં ઉભરેલા આતિશી કાલકાજીના ધારાસભ્ય છે.
દિલ્હીની શિક્ષણ નીતિ બનાવવામાં પણ આતિશીની મહત્ત્વની ભૂમિકા રહી છે. આતિશીને કેજરીવાલ અને મનીષ સિસોદિયા બન્નેના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.18 વિભાગ સંભાળતા આતિશી પાસે હવે તંત્રનો સારો અનુભવ છે. તે પાર્ટીના પક્ષને મજબૂતીથી મીડિયા સામે રાખે છે. આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા અડધી વસ્તીને પણ સાધવાનો પ્રયાસ કર્યો છે.
કથિત લીકર કૌભાંડમાં કેટલાક મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર નીકળેલા કેજરીવાલે રવિવારે રાજીનામાની જાહેરાત કરી હતી. કેજરીવાલ આજે સાંજે રાજ્યપાલ વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સોપશે. કેજરીવાલે કહ્યું છે કે તે ત્યાર સુધી ફરી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે જ્યાર સુધી ચૂંટણી જીતીને જનતા પાસે ઇમાનદારીનું સર્ટિફિકેટ નથી લેતા.
આ નામ પણ હતા ચર્ચામાં
મુખ્યમંત્રી પદના સંભવિત દાવેદારના રૂપમાં આતિશી સિવાય દિલ્હીના મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગહેલોત અને સૌરભ ભારદ્વાજના નામ પણ ચર્ચામાં હતા.








