વિદ્યાર્થી રાજનીતિથી શરૂઆત, દેશમાં લેફ્ટનો સૌથી મોટો ચહેરો; જાણો કોણ હતા કૉમરેડ સીતારામ યેચુરી
CPI (M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું છે. એક્યૂટ રેસ્પિર

CPI (M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું છે. એક્યૂટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શનને કારણે 19 ઓગસ્ટે સીતારામ યેચુરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીતારામ યેચુરી ભારતમાં ટોચના ડાબેરી નેતાઓમાંથી એક હતા.
સીતારામ યેચુરીનું પ્રારંભિક જીવન
સીતારામ યેચુરીના પ્રારંભિક જીવનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 12 ઓગસ્ટ 1952માં મદ્રાસમાં એક તેલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સીતારામના પિતા એસએસ યેચુરી આંધ્ર પ્રદેશના પરિવહન વિભાગમાં એન્જિનિયર હતા અને માતા કલપક્મ યેચુરી સરકારી ઓફિસર હતા. સીતારામ યેચુરીનો શરૂઆતનો અભ્યાસ હૈદરાબાદમાં થયો. 1969માં તે દિલ્હી આવી ગયા અને અહીં તેમને પ્રેસીડેન્ટ ઇસ્ટેટ સ્કૂલ, નવી દિલ્હીમાં એડમિશન લીધુ. સ્ટુડન્ટ લાઇફમાં સીતારામ યેચુરી ટોપર હતા. હાયર સેકન્ડરીની પરીક્ષામાં તે પુરા ભારતમાં ટોપ પર રહ્યાં.
તે બાદ સેન્ટ સ્ટીફન કોલેજ, નવી દિલ્હીમાં અર્થશાસ્ત્રમાં BA કર્યું અને 1975માં જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં અર્થશાસ્ત્રમાં ફર્સ્ટક્લાસ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.MA કર્યા બાદ સીતારામ યેચુરી JNUમાં જ PhD કરવા લાગ્યા હતા. આ 1975નો સમય હતો. આ દરમિયાન દેશમાં ઇમરજન્સી લાગી ગઇ. તે સમયે સીતારામ યેચુરીની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમનો અભ્યાસ અધવચ્ચે જ રોકાઇ ગયો.
સીતારામ યેચુરીનું વ્યક્તિગત જીવન
સીતારામ યેચુરીએ પત્રકાર સીમા ચિશ્તી સાથે લગ્ન કર્યા હતા. સીતારામ યેચુરીના આ બીજા લગ્ન હતા. યેચુરીના પ્રથમ લગ્ન ડાબેરી કાર્યકર્તા અને નારીવાદી ડૉ. વીના મજૂમદારની દીકરી સાથે થયા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર અને એક દીકરી છે.
રાજકીય કરિયર
કોલેજમાં ભણતા સમયે સીતારામ યેચુરી ડાબેરી વિચારોથી પ્રભાવિત થયા અને 1974માં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે જોડાઇ ગયા હતા. એક વર્ષ બાદ તે CPM સાથે જોડાયા. ઇમરજન્સી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.1977-78માં તે JNU વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા. આ દરમિયાન આ યૂનિવર્સિટી કેમ્પસમાં લેફ્ટની વિચારધારાને વધારે ફેલાવાની તક મળી. દેશમાં ડાબેરીઓના બીજા મોટા નામમાં સામેલ પ્રકાશ કરાતની મદદથી તેમને JNUને ડાબેરી વિચારોના અધ્યયનનું કેન્દ્ર બનાવ્યું.
1978માં સીતારામ યેચુરી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓલ ઇન્ડિયા સંયુક્ત સચિવ બન્યા. બાદમાં તે તેના અધ્યક્ષ પણ બન્યા. 1984માં સીતારામ યેચુરીને CPI (M)ની કેન્દ્રીય સમિતિ માટે આમંત્રિત કરવામાં આવ્યા. સીતારામ યેચુરીએ 1986માં SFI છોડી દીધું. સીતારામ યેચુરી પોતાની ક્ષમતાના આધાર પર પાર્ટીમાં સતત સફળતાની સીડી ચઢતા ગયા. 1992માં CPMની 14મી કોંગ્રેસમાં તે પોલિત બ્યૂરો માટે ચૂંટાયા.
19 એપ્રિલ 2015માં વિશાખાપટ્ટનમમાં પાર્ટીની 21મી કોંગ્રેસમાં સીતારામ યેચુરી પાર્ટીના પાંચમા મહાસચિવ ચૂંટાયા. સીતારામ યેચુરીએ પાર્ટીની કમાન પ્રકાશ કરાત પાસેથી સંભાળી હતી જે સતત ત્રણ વખત (2005-15) સુધી પાર્ટીના મહાસચિવ રહી ચુક્યા હતા. 18 એપ્રિલ 2018માં પાર્ટીને CPMની 22મી કોંગ્રેસમાં સીતારામ યેચુરી ફરી એક વખત પાર્ટીના મહાસચિવ બન્યા.
ઇન્દિરા ગાંધીને રાજીનામું આપવા મજબૂર કર્યા
25 જૂન 1975માં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી હતી. સીતારામ યેચુરી તે સમયે JNUમાં અભ્યાસ કરતા હતા. સીતારામ યેચુરીએ ઇમરજન્સીનો વિરોધ કરવા માટે એક સંયુક્ત સ્ટુડન્ટ ફેડરેશનની રચના કરી હતી. આ સંગઠનના બેનર હેઠળ સીતારામ યેચુરીએ ઇન્દિરા ગાંધીના ઘર સુધી ઇમરજન્સીના વિરોધમાં રેલી કાઢી હતી.
ઇન્દિરા ગાંધીએ જ્યારે વિરોધનું કારણ પૂછ્યું તો સીતારામ યેચુરી મેમોરેન્ડમ વાંચવાનું શરૂ કર્યું. તેમણે પોતાના મેમોરેન્ડમમાં લખ્યું હતું કે કોઈ સરમુખત્યાર યુનિવર્સિટીના કુલપતિ પદ પર ન હોવું જોઈએ. ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા ગાંધી JNUમાં એક કાર્યક્રમ કરવા માંગતા હતા પણ વિદ્યાર્થીઓના વિરોધને કારણે તેમનો કાર્યક્રમ થઇ શક્યો નહતો.
અંતે ઇન્દિરા ગાંધીએ JNUના કુલાધિપતિ (ચાન્સેલર)ના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાના કેટલાક દિવસ બાદ સીતારામ યેચુરીની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ઇમરજન્સી દરમિયાન સીતારામ યેચુરીને જેલમાં રાખવામાં આવ્યા હતા જેમાં અરૂણ જેટલી પણ હતા.
સીતારામ યેચુરીની રાજકીય સફર
સીતારામ યેચુરી સંસદના ઉચ્ચ સદનમાં પોતાની બોલવાની ક્ષમતા અને ભાષણ શૈલીથી વિરોધીઓને પણ ચુપ કરાવી દે છે. 2005માં તે પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તે રાજ્યસભામાં 18 ઓગસ્ટ 2017 સુધી રહ્યાં. આ દરમિયાન સંસદમાં તેમને જનહિતના કેટલાક મુદ્દા ઉઠાવ્યા હતા.
જુલાઇ 2008માં જ્યારે મનમોહન સરકારના કાર્યકાળમાં ભારત-અમેરિકા વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતિ થઇ, તે દરમિયાન સીતારામ યેચુરી ચર્ચામાં રહ્યાં હતા.મનમોહન સિંહ આ ડીલને લઇને CPMની કેટલીક શરતો માનવા તૈયાર થયા હતા પરંતુ તત્કાલીન CPM મહાસચિવ પ્રકાશ કરાત માનવા તૈયાર થયા નહતા. 8 જુલાઇ 2008માં પ્રકાશ કરાતે મનમોહન સરકાર પાસેથી સમર્થન પરત ખેચવાની જાહેરાત કરી હતી.
સીતારામ યેચુરી રાજનેતાની સાથે સાથે સામાજિક કાર્યકર્તા, અર્થશાસ્ત્રી અને પત્રકાર અને લેખક પણ હતા. રાજકીય દસ્તાવેજ તૈયાર કરવામાં તેમના વિચાર સર્વોપરી માનવામાં આવતા હતા.કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ સાથે મળીને તેમને 1996માં યૂનાઇટેડ ફ્રંટ ગવર્મેન્ટ માટે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો.તે લાંબા સમયથી અખબારોમાં સ્તંભ લખતા રહ્યાં હતા, તેમને કેટલાક પુસ્તક પણ લખ્યા છે જેમાં 'લેફ્ટ હેન્ડ ડ્રાઇવ', 'યહ હિન્દૂ રાષ્ટ્ર ક્યા હૈ', 'ધૃણા કી રાજનીતિ', '21મી સદી કા સમાજવાદ' જેવા પુસ્તક સામેલ છે.








