કેન્દ્રીય મંત્રી લલન સિંહની મટન પાર્ટી પર વિવાદ, કોંગ્રેસ-RJDએ હિન્દૂઓનું અપમાન ગણાવ્યું
શ્રાવણ મહિનામાં કેન્દ્રીય મંત્રી લલન સિંહ તરફથી આયોજિત મટન પાર્ટીને લઇને બિહારમાં રાજકારણ ગરમાયું

શ્રાવણ મહિનામાં કેન્દ્રીય મંત્રી લલન સિંહ તરફથી આયોજિત મટન પાર્ટીને લઇને બિહારમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રીની આ મટન પાર્ટીને RJDએ હિન્દૂઓની આસ્થાનું અપમાન ગણાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે ગત વર્ષે લાલુ પ્રસાદ યાદવ રાહુલ ગાંધીને શ્રાવણ મહિનામાં મટન બનાવવાનું શીખવાડતા હતા તે સમયે ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. હવે લલન સિંહની પાર્ટી પર ભાજપ કે JDU તરફથી કોઇ રિએક્શન આવ્યું નથી.
બિહારમાં લલન સિંહની મટન પાર્ટી પર વિવાદ
કેન્દ્રીય મંત્રી અને મુંગેરના JDU સાંસદ લલન સિંહે લખીસરાયમાં એક રેલી બાદ મટન ભોજનું આયોજન કર્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. શ્રાવણના પવિત્ર મહિનામાં આ મટન પાર્ટીએ બિહારમાં રાજકીય વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસ અને RJDએ તેને સનાતન ધર્મ સાથે જોડીને કેન્દ્ર અને બિહાર સરકાર પર નિશાન સાધ્યુ છે.પાર્ટી દરમિયાન કાર્યકર્તાઓની ભારે ભીડને કારણે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
લલન સિંહે લખીસરાયના સૂર્યગઢામાં 472 કરોડ રૂપિયાના રોડ અને પુલ નિર્માણ પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે રેલીનું આયોજન કર્યું હતું. રેલી બાદ JDU કાર્યકર્તા અને સમર્થકો માટે મટન ભોજની જાહેરાત કરવામાં આવી હતી. લલન સિંહે ખુદ સ્પષ્ટ કર્યું કે શ્રાવણના પવિત્ર મહિનાને માનનારાઓ માટે શાકાહારી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલીને સંબોધ્યા બાદ લલન સિંહે ભોજનની જાહેરાત કરતા કહ્યું, 'ભૌજન તૈયાર છે, સારૂ ભોજન છે. શ્રાવણની પણ વ્યવસ્થા છે, શ્રાવણનું ભોજન પણ છે અને જે શ્રાવણ નથી મનાવી રહ્યાં તેમના માટે પણ વ્યવસ્થા છે.
બિહારમાં પહેલા પણ મટન પર થઇ ચુક્યો છે વિવાદ
બિહારમાં મટન પર રાજકારણ કોઇ નવી વાત નથી. ગત વર્ષે શ્રાવણ મહિનામાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મટન બનાવીને ખવડાવ્યું હતું જેને લઇને વિવાદ થયો હતો. આ સિવાય લોકસભા ચૂંટણી દરમિયાન નવરાત્રિ દરમિયાન RJD નેતા તેજસ્વી યાદવની માછલી ખાતો એક વીડિયો વાયરલ થયો હતો જેના પર ભાજપે વિરોધ નોંધાવ્યો હતો.








