શનિવાડામાં મુસ્લીમ મહિલાઓએ નમાજ પઢતાં વિવાદ, BJP MP એ કરાવ્યું શુદ્ધિકરણ
મહારાષ્ટ્રના પુણેમાં ઐતિહાસિક શનિવાર વાડામાં મુસ્લિમ મહિલાઓ નમાઝ અદા કરવાનો એક વીડિયો સોશિયલ મીડ

મહારાષ્ટ્રના પુણેમાં ઐતિહાસિક શનિવાર વાડામાં મુસ્લિમ મહિલાઓ નમાઝ અદા કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોતાં રવિવારે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરતાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. આને ઐતિહાસિક વારસાનું અપમાન ગણાવીને વિરોધ પ્રદર્શન કરવાની હાકલ કરી હતી.
પુણેના શનિવાર વાડાના ઉપરના માળેથી લેવાયેલા વાયરલ વીડિયોમાં છ થી સાત મુસ્લિમ મહિલાઓ સાદડીઓ પાથરી નમાઝ અદા કરતી જોવા મળે છે, જ્યારે બાળકો રમતા હોય છે અને પ્રવાસીઓ નજીકમાં ફરતા હોય છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી અને રાજકીય વિવાદમાં પણ વધારો કર્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એક અધિકારીએ પુણે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી મહિલાઓના આ જૂથ સામે કેસ નોંધવ્યો હતો. જેની હજુ સુધી ઓળખ થઈ નથી.
શુદ્ધિકરણ સમારોહ બાદ વિસ્તારમાં તણાવ
વિડિઓ સામે આવ્યા બાદ રવિવારે ભાજપના સાંસદની આગેવાનીમાં શનિવાર વાડામાં અનેક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેનું નેતૃત્વ "પતિત પાવન સંગઠન" અને "હિન્દુ સકલ સમાજ" દ્વારા કરવામાં આવ્યું હતું. નમાઝની ઘટના પછી આ જગ્યાને "શુદ્ધ" કરવા માટે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવ્યો અને શિવ વંદના કરવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ શનિવાર વાડાની બહાર સ્થિત હઝરત ખ્વાજા સૈયદ દરગાહ પાસે પણ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે બળપ્રયોગ કરીને તેમને અટકાવ્યા હતા. જોકે, ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીમાં અનેક કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. જે પછીથી આ વિસ્તારમાં તણાવભરી સ્થિતી છે.
શાસક મહાયુતિ ગઠબંધનમાં મતભેદ
ઐતિહાસિક કિલ્લાના "શુદ્ધિકરણ" ન વીડિયો જાહેર થતાં રાજકીય વિવાદ શરૂ થયો છે. NDA ગઠબંધનમાં સામેલ બંને પક્ષો-એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCP એ સાંસદ મેધા કુલકર્ણી સામે FIR નોંધાવવાની માંગ કરી છે, સાથે જ તેમના પર આ મુદ્દે હિન્દુ-મુસ્લિમ રંગ આપીને સામાજિક વાતાવરણને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ ભાજપના સાંસદે પત્રકારોને જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. શનિવાર વાડા નમાજ પઢવાનું સ્થળ નથી. અમે વહીવટીતંત્રને આવા કરતૂતોમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની વિનંતી કરીએ છીએ." ડેપ્યુટી પોલીસ કમિશનર કૃષિકેશ રાવલેએ જણાવ્યું હતું કે આ સ્થળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારક્ષેત્ર હેઠળ છે.
શનિવાર વાડા શું છે?
શનિવાર વાડા 1736 માં પેશ્વાઓ દ્વારા બાંધવામાં આવેલ 13 માળનો મહેલ છે. જે પેશ્વા શક્તિના કેન્દ્ર અને પુણેના ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રતીક તરીકે પ્રતિષ્ઠિત દરજ્જો ધરાવે છે. 1828માં આગને કારણે આ ઈમારતને મોટું નુકસાન થયું હતું. હવે અહીં ફક્ત કિલ્લાની દિવાલો અને વિશાળ દરવાજા જ બચ્યા છે.








