મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણા બાદ કોંગ્રેસ બે અન્ય રાજ્યોમાં પણ બદલશે પોતાના અધ્યક્ષ, સચિન પાયલોટને રાજસ્થાનમાં તક મળી શકે!

હરિયાણા પ્રદેશમાં અધ્યક્ષ બદલ્યા બાદ કોંગ્રેસ હવે અન્ય બે રાજ્ય રાજસ્થાન અને ગો

હરિયાણા બાદ કોંગ્રેસ બે અન્ય રાજ્યોમાં પણ બદલશે પોતાના અધ્યક્ષ, સચિન પાયલોટને રાજસ્થાનમાં તક મળી શકે!

હરિયાણા પ્રદેશમાં અધ્યક્ષ બદલ્યા બાદ કોંગ્રેસ હવે અન્ય બે રાજ્ય રાજસ્થાન અને ગોવામાં પ્રદેશ અધ્યક્ષ બદલી શકે છે. પાર્ટીએ તાજેતરમાં હરિયાણા પ્રદેશ અધ્યક્ષની કમાન સીનિયર નેતા રાવ નરેન્દ્રસિંહને સોપી છે.

આ સિવાય પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને હરિયાણા કોંગ્રેસ વિધાયક દળના નેતા નિયુક્ત કર્યા છે. હવે પાર્ટી રાજસ્થાન અને ગોવામાં નવા પ્રદેશ અધ્યક્ષના પદ પર નિયુક્તિઓ પર વિચાર કરી રહ્યું છે.

સચિન પાયલોટ રાજસ્થાનમાં બની શકે છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ

રાજસ્થાનમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જે નામની ચર્ચા થઇ રહી છે તેમાં છત્તીસગઢના કોંગ્રેસ પાર્ટીના પ્રભારી સચિન પાયલોટ, મધ્ય પ્રદેશના પ્રભારી હરીશ ચૌધરી અને અશોક ગહેલોત સરકારમાં મંત્રી રહી ચુકેલા અને હિંડોલીના ધારાસભ્ય અશોક ચાંદનાનું નામ સામેલ છે. સુત્રો અનુસાર સચિન પાયલોટ આ રેસમાં સૌથી આગળ છે. OBC સમાજમાંથી આવતા પાયલોટ પહેલા પણ રાજસ્થાનમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચુક્યા છે.

ગોવામાં પણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બદલશે

ગોવામાં ગિરીશ ચોડણકરને કોંગ્રેસ પોતાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે. ગિરીશ અત્યારે પાર્ટીના તમિલનાડુ અને પોંડિચેરીના પ્રભારી છે. OBC સમાજમાંથી આવતા ગિરીશ ચોડણકર પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના ગણાય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનમાં બદલાવ કરી રહ્યું છે. રાજ્યોની ચૂંટણીને જોતા નવા પ્રયોગ પણ કરવામાં આવી રહ્યા છે. સંગઠન સર્જન અભિયાન પણ ચલાવી રહ્યું છે જેમાં રાજ્યમાં નવા જિલ્લા અધ્યક્ષની નિયુક્તિ પણ કરવામાં આવી રહી છે.

હરિયાણામાં ચૂંટણીના એક વર્ષ પછી કોંગ્રેસને મળ્યા નવા પ્રદેશ અધ્યક્ષ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારના એક વર્ષ બાદ આ નિયુક્તિ કરવામાં આવી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભામાં ભાજપ 48 બેઠક સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું જ્યારે કોંગ્રેસને 37 બેઠક જ મળી હતી. 

રાવ નરેન્દ્રસિંહે ઉદયભાનનું સ્થાન લીધુ છે. આહિર જાતિમાંથી આવતા રાવ નરેન્દ્રસિંહ ત્રણ વખતના ધારાસભ્ય અને હુડ્ડા સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે.

વિધાયક દળના નેતા હોવાને કારણે હુડ્ડા રાજ્યની વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનશે. ગત વિધાનસભામાં પણ તેમણે આ ભૂમિકા ભજવી હતી. હરિયાણાના રાજકારણમાં દિગ્ગજ જાટ નેતા તરીકે હુડ્ડા બે વખત મુખ્યમંત્રી, ચાર વખત વિરોધ પક્ષના નેતા, ચાર વખત સાંસદ અને છ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.

આ સમાચાર શેર કરો