LAC પર સંઘર્ષ સમાપ્ત! ચીને પોતાના તંબુ ઉખેડ્યા, બંને દેશની સેનાઓએ કરી પીછેહઠ
પૂર્વી લદ્દાખમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય અને ચીની સૈનિકોએ ડેમચોક અને દેપસાંગ મેદાનોમાંથ

પૂર્વી લદ્દાખમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય અને ચીની સૈનિકોએ ડેમચોક અને દેપસાંગ મેદાનોમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ ભારતીય સૈનિકોએ તેમના વાહનો અને દારૂગોળો પરત લીધો છે. બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ પગલું ભરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ડેમચોક અને દેપસાંગ મેદાનોમાં સૈનિકો 2 પોઇન્ટ પર પીછેહઠ કરી રહ્યા છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ બાદ બંને એશિયાઈ દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. હવે આ સમજૂતી ભારત અને ચીન વચ્ચે સરહદ પરના સંઘર્ષના અંતનો સંકેત આપે છે.
સરહદ પર વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો પાછા હટાવવા અંગે સૂત્રોએ જણાવ્યું કે, તેમાં સમય લાગશે. જોકે હવે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું, 'સમજૂતીની જાહેરાત પછી તરત જ પાછા ફરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. બીજા દિવસે સ્થાનિક કમાન્ડરોની બેઠક પણ યોજાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે સૈનિકો દ્વારા તેમના ટેન્ટ હટાવવાનો અર્થ એ નથી કે તેઓ પીછેહઠ કરી ગયા છે. માર્ગને અવરોધતા કામચલાઉ બાંધકામો દૂર થયા પછી પેટ્રોલિંગ ફરી શરૂ થશે. આ માટે કરાર પ્રત્યે બંને દેશોની પ્રતિબદ્ધતા પણ જરૂરી છે.
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર જમીની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વચ્ચે વ્યાપક સહમતિ બની છે. આમાં પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ઢોરને ચરવા દેવાનો પણ સમાવેશ થાય છે. ભારત અને ચીન એલએસીના કેટલાક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીત ચાલી રહી છે. વાટાઘાટો બાદ સમાન અને પરસ્પર સુરક્ષાના સિદ્ધાંતના આધારે જમીની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક સહમતિ સધાઈ છે.
4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી સૈન્ય ગતિરોધને સમાપ્ત કરવામાં આ મોટી સફળતા છે. એવું માનવામાં આવે છે કે આ ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરશે, કારણ કે આ બંને સ્થળોએ મુખ્ય વણઉકેલાયેલી સમસ્યાઓ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદી સમજૂતિને સમર્થન આપ્યું હતું.
રશિયાના કઝાનમાં બ્રિક્સ સમીટ બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું સીમા પર શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી અમારી પ્રાથમિકતા રહેવી જોઈે. 5 વર્ષ પછી અમારી મુલાકાત થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પરસ્પર વિશ્વાસ, સન્માન અને પરસ્પર સંવેદનશીલતા એ આપણા રાજદ્વારી સંબંધોના પાયાના પથ્થરો હોવા જોઈએ. પીએમ મોદીએ જિનપિંગને કહ્યું કે, અમે સરહદ સમજૂતીનું સ્વાગત કરીએ છીએ. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ચીન સંબંધોના મહત્ત્વનો સ્વીકાર કર્યો હતો.








