ભારતીય નાગરિકતાને લઈ સોનિયા ગાંધી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોનિયા પર ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે. કોંગ્રેસના નેતા વિરુદ્ધ આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની ફરિયાદમાં માગ કરી છે કે ભારતીય નાગરિકતા મેળવતાં પહેલા સોનિયા મતદાન કરવા માટે કેવી રીતે લાયક બની તેની તપાસ કરવામાં આવે.
10 સપ્ટેમ્બરે આગામી સુનાવણી
સમાચાર એજન્સી ANI અનુસાર, આ મામલો ગુરુવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયા સમક્ષ આવ્યો હતો. મેજિસ્ટ્રેટે ફરિયાદીની દલીલો વિગતવાર સાંભળી હતી. કોર્ટે ફરિયાદીની દલીલોને સંતોષકારક ગણાવી અને કેસની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી.
સોનિયા ગાંધી એપ્રિલ 1983માં ભારતીય નાગરિક બન્યા હતા
ફરિયાદી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ 1980માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ એપ્રિલ 1983માં ભારતીય નાગરિક બન્યા હતા.
બનાવટી દસ્તાવેજો રજૂ કરવાનો દાવો
વકીલે વધુમાં જણાવ્યું હતું કે, 1980માં મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાનો અર્થ એ છે કે કેટલાક ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને તે એક દખલપાત્ર ગુનો છે. તેથી, તેમણે કોર્ટને FIR નોંધવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. થોડા સમય પહેલા, ભાજપના નેતા અમિત માલવિયાએ પણ દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવા માટે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. માલવિયાએ દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીનું નામ 1980માં જ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું જ્યારે તેઓ 1983માં ભારતના નાગરિક બન્યા હતા.






